દારાસિંહની બાયોપિક બનશે

Tuesday 02nd July 2024 07:51 EDT
 
 

ટીવી સિરિયલ ‘રામાયણ’માં હનુમાનજીના પાત્રમાં સર્વાધિક લોકપ્રિયતા મેળવનારા કલાકાર સ્વ. દારા સિંહની બાયોપિક બની રહી છે. તેમનો પુત્ર અને એક્ટર વિંદુ જ આ ફિલ્મ બનાવી રહ્યો છે. દારા સિંહનો પૌત્ર ફતેહ આ ફિલ્મમાં દાદાની મુખ્ય ભૂમિકા ભજવશે. વિંદુ દારા સિંહે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તે પિતા દારા સિંહ પર એક ફિલ્મ બનાવાની તૈયારી કરી રહ્યો છે. જેમાં લીડ રોલ તેનો પુત્ર ફતેહ ભજવશે. ફિલ્મની સ્ક્રિપ્ટ પણ તૈયાર છે. ફતેહ લાંબા સમયથી બોલિવૂડ ડેબ્યૂ માટે તૈયારી કરી રહ્યો હતો અને કારકિર્દી શરૂ કરવા માટે આનાથી વધુ સારી ફિલ્મ તેના માટે કોઈ હોઈ શકે જ નહિ એમ તેણે કહ્યું હતું. દારા સિંહની જીવનકથા બહુ જ રોચક છે. તેઓ વાસ્તવમાં ભારતીય કુસ્તીના બહુ જાણીતા પહેલવાન હતા અને તેમણે ‘રુસ્તમ એ હિંદ’નો ખિતાબ પણ મેળવ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરની અનેક કુસ્તી સ્પર્ધાઓમાં તેમણે ભાગ લીધો હતો. અનાયાસે તેઓ સ્ટંટ ફિલ્મોના નાયક તરીકે હિંદી ફિલ્મોના એક્ટર બની ગયા અને તે પછી તેમણે સંખ્યાબંધ ફિલ્મોમાં યાદગાર ભૂમિકા ભજવી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter