સેલિબ્રિટી કપલ રણવીર-દીપિકાના ઘેર હાલમાં ખુશીનો માહોલ છે. દીપિકાએ 8 સપ્ટેમ્બરના રોજ એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપ્યો છે ત્યારથી દંપતી પર અભિનંદનની વર્ષા થઇ રહી છે. કિંગખાન શાહરુખથી લઇને કોર્પોરેટ દિગ્ગજ મુકેશ અંબાણી તો રૂબરૂ જઇને દંપતીને શુભેચ્છા આપી આવ્યા છે અને ‘નન્હી પરી’નું મોઢું જોઇ આવ્યા છે. હવે ફેન્સ રણવીર-દીપિકાની દીકરીનો ચહેરો જોવા ઉત્સુક છે. આ દરમિયાન એક અહેવાલમાં દાવો કરાયો છે કે દીપિકા પોતાની પુત્રીના ઉછેર માટે અનુષ્કા શર્મા અને ઐશ્વર્યા રાયની પેરન્ટિંગ સ્ટાઈલ અપનાવશે. મતલબ કે તે એક્ટિંગમાંથી લાંબો બ્રેક લેશે અને દીકરીનો ઉછેર આયાને સોંપવાના બદલે જાતે જ તેની કાળજી લેશે. બોલિવૂડમાં સામાન્ય ટ્રેન્ડ એવો છે કે સ્ટાર્સ પોતાના બાળકોના ઉછેર માટે લાખોનો પગાર આપીને આયાને રાખે છે, અને તે જ બાળકનો ઉછેર સંભાળે છે.
કરીના કપૂર ખાનથી માંડી અનેક સ્ટારકિડ્સની સંભાળ આયા લઇ રહી હોવાનું સહુ કોઇ જાણે છે. જોકે દીપિકા આમ કરવા નથી માંગતી. અનુષ્કા અને ઐશ્વર્યાની જેમ તે બાળકની સંભાળ જાતે જ લેવા માંગે છે. ઐશ્વર્યા આયા વિના જ આરાધ્યાની સંભાળ રાખે છે તો અનુષ્કા પણ એક્ટિંગમાંથી બ્રેક લઇને દીકરીની સંભાળ લઇ રહી છે. દીપિકા પણ તેને ફોલો કરશે તેમ મનાય છે.