નાટક-ટીવીના જાણીતા અભિનેતા રસિક દવેનું નિધન

Thursday 04th August 2022 06:40 EDT
 
 

ટીવી સિરિયલો અને ગુજરાતી નાટકોના જાણીતા અભિનેતા રસિક દવેનું 65 વર્ષની વયે અવસાન થયું છે. તે લાંબા સમયથી કિડનીની બિમારીથી પીડાતા હતા. સંખ્યાબંધ નાટકો, સિરિયલો અને કેટલીય ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથરી ચૂકેલા રસિક દવેએ 29મી જુલાઇએ રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પરિવારજનોમાં અભિનેત્રી પત્ની કેતકી દવે અને પુત્ર અને પુત્રીનો સમાવેશ થાય છે. બીજા દિવસે સવારે અંધેરીના યારી રોડ સ્થિત નિવાસસ્થાનેથી નીકળેલી તેમની અંતિમયાત્રામાં ગુજરાતી નાટક અને ફિલ્મજગતની જાણીતી હસ્તીઓ જોડાઇ હતી. રસિક દવેના નિધનથી ગુજરાતી કલાકાર જગતમાં ભારે આઘાતની લાગણી ફેલાઈ છે. તખ્તા અને ફિલ્મો સાથે સંકળાયેલા સંખ્યાબંધ કલાકાર અને કસબીઓએ રસિક દવેસના નિધન અંગે શોકની લાગણી વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. બી.આર. ચોપરાની સિરિયલ ‘મહાભારત’માં નંદની ભૂમિકાએ તેમને રાષ્ટ્રીય પ્રસિદ્ધિ અપાવી હતી. તો વ્યોમકેશ બક્ષી સહિતની ટીવી સિરિયલોમાં પણ તેમનો અભિનય ખૂબ વખણાયો હતો. રસિક દવે પ્રખર શિવભક્ત હતા અને શ્રાવણ મહિનાના પ્રારંભે જ મહાદેવે તેમને પોતાની સમીપ સ્થાન આપ્યું છે એમ તેમના નજીકના મિત્રોએ શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter