અભિનેતા સોનુ સૂદ આમ આદમી માટે એક દેવદૂતની જેમ સેવા કરતા રહે છે. કોરોના કાળમાં તો તેમણે દેશ અને વિદેશમાં ફસાયેલા મજબૂર લોકોને મદદ કરી હતી. ગયા બુધવારે તેણે બાવનમા જન્મદિવસની ઉજવણી કરતાં પણ તેમણે એવી જ એક નવી માનવીય પહેલ કરવાની જાહેરાત કરી છે. તેમણે એક વૃદ્ધાશ્રમ ઊભો કરવાની જાહેરાત કરી છે. કહેવાય છે કે તે વૃદ્ધાશ્રમમાં 500 વૃદ્ધો માટે રહેવા અને જમવાની વ્યવસ્થા હશે. જેમની દેખભાળ માટે કોઈ ના હોય તેવા નિઃસહાય વૃદ્ધો સન્માનપૂર્વક પ્રેમભર્યા વાતાવરણમાં જીવન પસાર કરી શકે તે માટે સોનુ સૂદે આ પહેલ કરી છે. વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને મેડિકલ સુવિધા, પૌષ્ટિક ભોજન અને ઈમોશનલ સપોર્ટ આપવામાં આવશે. કોવિડ કાળમાં સોનુ સૂદ વંચિતો માટે દેવદૂત જેવી ભૂમિકા નિભાવી ચૂક્યા છે. વતનથી દૂર મજૂરી કરી રહેલા નિઃસહાય શ્રમિકોને વતન પહોંચાડવા તેમણે ભરપૂર મદદ કરી હતી.