પ્રિયંકા ચોપરા થોડા સમય પહેલા દીકરી માલતી મેરી સાથે ભારતની મુલાકાત આવી છે. બાદમાં પતિ નિક જોનાસ પણ અમેરિકાથી ભારત આવી પ્રિયંકાની સાથે પ્રવાસમાં જોડાયો છે. મુંબઈ ખાતે કેટલાક કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ આ પરિવાર અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરના દર્શન કરવા પહોંચ્યો હતો. આ પવિત્ર સ્થળે પ્રિયંકા-નિકના પ્રવાસની ઝલક આપતા વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. 20 માર્ચે પ્રિયંકા ચોપરાની સાથે સાથે નિક પણ આ ધર્મયાત્રામાં જોડાયો હતો. અયોધ્યા ખાતે પવિત્ર શ્રી રામ મંદિરમાં દર્શન સમયે પ્રિયંકાએ પીળા રંગની સાડી પહેરી હતી તો નિક જોનાસે ઝભ્ભા પર ખેસ પહેર્યો હતો. રામ જન્મભૂમિ પર પ્રિયંકા અને તેમના પરિવારનું રામનામી ખેસ પહેરાવીને સ્વાગત કરાયું હતું. જે બાદ સમગ્ર પરિવારે ભગવાનના દર્શન કર્યા હતા. પ્રિયંકાએ દીકરી માલતીને ઊંચકીને સમગ્ર મંદિર પરિસરના દર્શન કર્યાં હતા. પ્રિયંકાના માતા મધુ ચોપરા પણ લાલ સાડી પહેરીને ધાર્મિક યાત્રામાં સહભાગી બન્યા હતા. ઉલ્લેખનીય છે કે, 22 જાન્યુઆરીએ શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે યોજાયેલી આ વિધિમાં બોલિવૂડ સેલિબ્રિટીઝ ઉપરાંત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ હાજરી આપી હતી. અક્ષય કુમાર, અનુપમ ખેર, અમિતાભ બચ્ચન અને રજનીકાંત જેવા સેલિબ્રિટીઝ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ ફરી શ્રી રામ મંદિરમાં દર્શને ગયા હતા. પ્રિયંકા ચોપરા અમેરિકા હોવાથી આ પ્રસંગે હાજર રહી શકી ન હતી. તેથી ભારતની આ વખતની મુલાકાતમાં પ્રિયંકાએ ઐતિહાસિક મંદિરમાં દર્શન કરવાની તક ઝડપી લીધી હતી.