ગુજરાત સરકાર તરફથી ગુજરાતી ફિલ્મોના કલાકાર - કસબીઓને દર વર્ષે અપાતા વિવિધ એવોર્ડ જાહેર થયાં છે. 2023ના વર્ષમાં બનેલી ફિલ્મો માટે જાહેર થયેલાં એવોર્ડમાં બેસ્ટ ફિલ્મ તરીકે સુબ્રમણ્યમ અય્યર દિગ્દર્શિત ફિલ્મ ‘કર્મ’ પસંદ થઈ છે. બેસ્ટ ચાઇલ્ડ ફિલ્મ તરીકે ’નિક્કી’, બેસ્ટ ડિરેક્ટરના એવોર્ડ માટે ‘સંબંધોમાં ખાલી જગ્યા’ ફિલ્મના દિગ્દર્શક જયેશ ત્રિવેદીને પસંદ કરાયા છે. બેસ્ટ એક્ટર તરીકે ચેતન ધાનાણી અને બેસ્ટ એક્ટ્રેસ તરીકે બ્રિન્દા ત્રિવેદીની પસંદગી થઈ છે. બેસ્ટ ડાયલોગ રાઇટર તરીકે રામ મોરી, બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ) ઉમેશ બારોટ અને (ફિમેલ) મધુબંતી બાગચીની પસંદગી થઇ છે. બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ તરીકે રત્ના પાઠકને તો બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર તરીકે આલાપ દેસાઈનું નામ પસંદ થયું છે. સાહિત્ય કૃતિ ઉપરથી બનેલી ફિલ્મની એવોર્ડ કેટેગરીમાં એક પણ એન્ટ્રી નહોતી આવી જ્યારે બેસ્ટ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ તરીકે કોઈ ફિલ્મની પસંદગી થઈ નથી.