ભારતના મુસ્લિમો દ્વારા તાલિબાનોનું સમર્થન ભયજનકઃ નસીરૂદ્દીન

Friday 10th September 2021 10:20 EDT
 
 

અફઘાનિસ્તાનમાં તાલિબાનના હાથમાં ફરી શાસનધૂરા આવતાં જ તેમણે આતંકનો માહોલ સર્જ્યો છે. ૨૧મી સદીમાં જાણે પાશવી યુગ હોય તેવા દૃશ્યો સર્જાયા છે. આમ છતાં ભારતમાં મુસ્લિમ સમુદાયનો એક વર્ગ તાલિબાની શાસનને સમર્થન કરી રહ્યો છે. આ અભિગમની પીઢ અભિનેતા નસીરુદ્દીન શાહે આકરા શબ્દોમાં નિંદા કરી છે. તેમણે ઉર્દૂમાં એક વીડિયો જારી કરીને નિડરતાપૂર્વક જણાવ્યું છે કે, ભારતના જે મુસ્લિમો તાલિબાન શાસનને આવકારતી ઉજવણી કરી રહ્યા છે તેઓ ઇસ્લામધર્મીઓના ભાવિ માટે જ ભયજનક છે.
તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, ‘હિન્દુસ્તાની ઇસ્લામ’ વિશ્વના અન્ય દેશોના ઇસ્લામ કરતાં અલગ છે. તેમણે કહ્યું કે તાલિબાન શાસનના આગમનને વધાવતા ભારતના મુસ્લિમોએ પોતાની જાતને પ્રશ્ન પૂછવો જોઈએ કે તેઓ નવા સકારાત્મક તેમજ વિકસતા વિશ્વ સાથેનો આધુનિક ઇસ્લામ ઇચ્છે છે કે સદીઓ જૂનો ઘાતક લૂંટારાવૃત્તિ ધરાવતો ઇસ્લામ... નસીરૂદ્દીને ચિંતા સાથે ભય વ્યક્ત કર્યો હતો કે, આપણે એવી આશા રાખીએ કે આપણે નિમ્નતાના એવા સ્તરે ન ચાલ્યા જઈએ કે ખુદની પહેચાન જ ન રહે. તેમણે કહ્યું કે, તે રાજકીય ધર્મની પરિભાષામાં નથી માનતા. મારો ઇસ્લામ ધર્મ મિર્ઝા ગાલિબનો ઇસ્લામ ધર્મ છે. મારો અલ્લાહ સાથેનો નાતો મારો પોતીકો છે. નસીરૂદ્દીને વીડિયો મેસેજમાં કહ્યું છે કે હિન્દુસ્તાની ઇસ્લામ દુનિયાભર કે ઇસ્લામ સે હમેશા મુખ્તલિફ રહા હે. ખુદા વોહ વક્ત ના લાયે કે વોહ ઇતના બદલ જાયે કે હમ ઉસે પહેચાન હી ન સકે.'
 નસીરૂદ્દીનના આ વીડિયો પછી ઘણા ફોલોઅર્સે તેની પ્રશંસા કરી હતી જ્યારે તેટલી જ માત્રામાં તેના પર રોષ ઠાલવાયો છે કે, 'આવી કોમેન્ટથી દૂર રહી ફિલ્મની એક્ટિંગમાં જ ધ્યાન આપો તો સારું.' એવી પણ કોમેન્ટ થઈ છે કે જે વ્યક્તિ ઇસ્લામને પાળતો નથી તે ઇસ્લામમાં નવસર્જનની વાત કરે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter