ગુજરાતી ફિલ્મોની દુનિયાના સુપર સ્ટાર ગણાતા મલ્હાર ઠાકર અને ટીવી તથા ગુજરાતી ફિલ્મોની એક્ટ્રેસ પૂજા જોશી લગ્નબંધને બંધાઇ રહ્યા હોવાની વાતો કેટલાય દિવસોથી સોશિયલ મીડિયા પર ચાલતી હતી. હવે, લાભપાંચમના શુભ દિવસે મલ્હાર અને પૂજા બંનેએ આ વાતને સમર્થન આપતાં કહ્યું છે કે તેઓ જીવનનું નવું પ્રકરણ શરૂ કરી રહ્યાં છે.
મલ્હાર અને પૂજા લગ્ન અંગેના પ્રશ્ન ઘણા સમયથી ટાળતા હતા. જોકે બન્નેએ સોશિયલ મીડિયા પર એક જ સરખી કેપ્શન અને બન્નેનો એકસાથે એક જ સરખો ફોટો શેર કર્યો હતો. કેપ્શનમાં લખ્યું હતું, ‘ચલો હવે અફવાઓને આરામ આપીએ! રીલથી રિયલ સુધી... તમારા પ્રેમ અને આશીર્વાદથી અમે નવા પ્રકરણની અમારી સફર શરૂ કરવા જઈ રહ્યાં છીએ. કાઉન્ટ ડાઉન બિગિન્સ.” સાથે તેમણે હેશટેગ દ્વારા સ્પષ્ટતા પણ કરી હતી કે આ કોઈ ફિલ્મની જાહેરાત કે ફિલ્મની પોસ્ટ નથી. તેમની આ પોસ્ટ શેર થતાંની સાથે જ તેમના ફેન્સથી લઇને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલાં ઘણા લોકોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.
પૂજા અને મલ્હાર બંનેએ કેટલીક ફિલ્મ અને ઓટીટી પર વેબ સિરીઝ માટે સાથે કામ કર્યું છે. તેમની વેબ સિરીઝ ‘વાત વાતમાં’ની બે સિઝનમાં પણ બંનેની કેમેસ્ટ્રી ખૂબ વખાણવામાં આવી હતી. આ સિવાય તેમણે ફિલ્મ ‘વીર ઈશાનું શ્રીમંત’, ‘લગ્ન સ્પેશિયલ’ જેવી ફિલ્મમાં પણ સાથે કામ કર્યું છે. બંને આ વર્ષે નવરાત્રિમાં પણ એકબીજા સાથે ગરબા રમતાં જોવા મળ્યાં હતાં. હવે તેઓ ડિસેમ્બરના આરંભ સુધીમાં લગ્નગ્રંથિથી જોડાય તેવી શક્યતા છે.