રકુલપ્રીત-રાણા દગ્ગુબાટીને ડ્રગ્સ કેસમાં તેડું

Friday 10th September 2021 09:30 EDT
 
 

અભિનેત્રી રકુલપ્રીત સિંહ અને બાહુબલીમાં ભલ્લાલદેવના કેરેક્ટરથી લોક્પ્રિય બનેલા અભિનેતા રાણા દગ્ગુબાટીને ચાર વર્ષ જૂના ડ્રગ્સ કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવાયા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ રકુલપ્રીતને છ સપ્ટેમ્બરે, રાણા દગ્ગુબાટીને આઠ સપ્ટેમ્બરે, તેલુગુ અભિનેતા રવિ તેજાને નવમી સપ્ટેમ્બર અને ડિરેક્ટર પુરી જગન્નાથને ૩૧મી સપ્ટેમ્બરે પૂછપરછ માટે હાજર થવા સમન્સ પાઠવ્યા છે. અલબત્ત, એજન્સીના વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે રકુલપ્રીત સિંહ, રાણા દગ્ગુબાટી, રવિ તેજા કે પુરી જગન્નાથ કંઈ આરોપી નથી. તેઓ મની લોન્ડરિંગમાં સંડોવાયા છે કે નહીં તે અંગે કશું કહેવું ઘણું વહેલું હશે.
ઉલ્લેખનીય છે કે ૨૦૧૭માં તેલંગણના એક્સાઇઝ એન્ડ પ્રોહિબિશન વિભાગે રૂ. ૩૦ લાખનું ડ્રગ્સ પકડયા પછી ૧૨ કેસ નોંધ્યા હતા. તેમાંથી ૧૧ કેસમાં ચાર્જશીટ દાખલ કરાઇ હતી. તેના પછી ઇડીએ એક્સાઇઝ વિભાગના કેસોમાં મની લોન્ડરિંગની તપાસ પણ હાથ ધરી . તેલંગણ એક્સાઇઝ વિભાગે ડ્રગ્સ કેસના સંદર્ભમાં ૩૦ જણની ધરપકડ કરી છે અને બીજા ૬૨ જણની પૂછપરછ કરી છે. તેમાં ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા ૧૧ જણાની પૂછપરછનો સમાવેશ થાય છે.
છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન હૈદરાબાદમાંથી ડ્રગ પકડાવવાના નોંધપાત્ર કેસો નોંધાયા છે. તેમાં જુલાઈ ૨૦૧૭માં તો મોટો જથ્થો પકડાયો હતો. આ સમયે પડાયેલા શ્રેણીબદ્ધ દરોડામાં જંગી જથ્થામાં એલએસડી અને કોકેઇન પકડાયું હતાં અને આ મામલે ૧૩ની ધરપકડ કરાઇ હતી. જેમાંથી છ તો એન્જિનીયરિંગ ગ્રેજ્યુએટ્સ છે. ડ્રગ્સનો ઉપયોગ કરનારાઓમાં શાળાઓ-કોલેજના વિદ્યાર્થીઓના નામ પણ ખૂલ્યા હતા. આ અંગે ૨૬ સ્કૂલો અને ૨૭ કોલેજો તેમજ વિદ્યાર્થીઓના માબાપને પણ જાણ કરાઇ હતી. પકડાયેલા લોકોએ જણાવ્યું હતું કે તેઓ પબ, શૈક્ષણિક સંસ્થાનો, ગોવા અને હૈદરાબાદમાં યોજાતી રેવ પાર્ટીઓમાં પ્રતિબંધિત ડ્રગ્સ પૂરુ પાડતા હતા. આ નશીલા નેટવર્કના તાર છેક પૂણે, મુંબઈ અને દિલ્હી સુધી ફેલાયેલા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter