રણ કે રંગઃ સફેદ રણમાં સંગીતના સૂર સજાવતા સચિન-જીગર

Sunday 18th September 2022 06:38 EDT
 
 

લગભગ બે દાયકાથી કચ્છમાં યોજાતા રણોત્સવ વિશે ભારતીયો તો ઠીક હવે વિદેશી પ્રવાસીઓ પણ અજાણ નથી. કચ્છ-ભુજમાં ટૂરિઝમને સફળ બનાવવામાં ગુજરાત ટૂરિઝમના આ નવતર પ્રોજેક્ટ રણોત્સવને શાનદાર સફળતા મળી છે. ભારત - પાકિસ્તાન બોર્ડર નજીક આવેલા નયનરમ્ય સફેદ રણમાં ઉજવાતા રણોત્સવની લાખો પ્રવાસી મુલાકાત લઈ ચૂક્યા છે.
આ રણોસત્વને પ્રમોટ કરવા માટે પબ્લિક - પ્રાઇવેટ પાર્ટનરશીપ ધોરણે શરૂ કરવામાં આવેલા સ્પેશિયલ પ્રોજેક્ટ અંતર્ગત આ વર્ષે રણોત્સવ સાથે ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા મ્યુઝિક ડિરેક્ટર સચિન-જીગર અને લેખિકા-સિંગર પ્રિયા સરૈયાના નામ પણ જોડાયા છે અને આ ત્રિપુટીએ ‘રણ કે રંગ’ નામનું એક યુથફુલ વીડિયો સોન્ગ તૈયાર કર્યું છે. આ સોન્ગને સચિન સંઘવી અને જીગર સરૈયાએ સ્વરબદ્ધ કર્યું છે અને તેનું મ્યુઝિક પણ તેમણે જ તૈયાર કર્યું છે. આ ગીતના શબ્દો સિંગર અને મ્યુઝિક ડિરેક્ટર જીગર સરૈયાની પત્ની પ્રિયા સરૈયાએ લખ્યા છે. જેમાં કચ્છની વિરાસત અને રણોત્સવના રંગ જોવા મળે છે. આ સોન્ગમાં જાણીતા એક્ટર્સ દેવર્ષિ શાહ અને રિદ્ધિ ડાંગરે અભિનય કર્યો છે. આ ગીત વિશ્વ વિખ્યાત ટૂરિઝમ પ્લેસ રણોત્સવની ઝાંખી દર્શાવવામાં સફળ થયા છે. ખાસ તો, ગુજરાત ટૂરિઝમના પ્રમોશન કેમ્પેઈનમાં અમિતાભ બચ્ચન જોડાયા બાદ રણોત્સવને ખૂબ જ પ્રસિદ્ધિ મળી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter