રાજકુમાર - પત્રલેખા લગ્નબંધને બંધાયા

Wednesday 24th November 2021 06:23 EST
 
 

રાજકુમાર રાવે ગર્લફ્રેન્ડ પત્રલેખા સાથેના ૧૧ વર્ષ જૂના પ્રેમસંબંધને લગ્નનું નામ આપ્યું છે. ૧૫ નવેમ્બરે આ યુગલ ચંદીગઢના એક આલીશાન રિસોર્ટમાં લગ્નબંધને બંધાયું. દુલ્હન બનેલી પત્રલેખા લગ્નના પોશાકમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. પત્રલેખાએ લગ્નમાં જે ઓઢણી ઓઢી હતી તેમાં પણ તેણે પ્રેમના સંદેશને વાચા આપી હતી.
પત્રલેખાનું પૂરું નામ પત્રલેખા પોલ છે અને તે બંગાળી છે. લગ્ન પછી તરત જ બંનેએ પોતપોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નની તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં રાજકુમાર અને તેની પત્ની પત્રલેખા ખૂબ જ સુંદર લાગી રહ્યાં હતા. બન્ને ફેશન ડિઝાઇનર સબ્યસાચીના ડિઝાઇન કરેલા વસ્ત્રોમાં જોવા મળ્યા હતા. પત્રલેખાએ સુંદર લાલ સાડી પહેરી હતી અને તેની સાથે લાલ રંગની નેટની ઓઢણી ઓઢી હતી. આ ઓઢણી પર બંગાળીમાં એક સંદેશ લખવામાં આવ્યો હતો, જેનો હિન્દીમાં અર્થ થાય છે... ‘હું મારું પ્રેમથી ભરપૂર હૃદય તમને સમર્પિત કરું છું...’ લગ્ન બાદ બંને સ્ટાર્સે પોતાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. પોતાના લગ્નની તસવીરો શેર કરતા રાજકુમારે લખ્યું હતું, ‘૧૧ વર્ષના પ્રેમ, રોમાંસ, મિત્રતા અને મસ્તી પછી, આખરે આજે મેં મારી દરેક વસ્તુ સાથે લગ્ન કરી લીધા... મારો આત્મા, મારી સૌથી સારી મિત્ર, મારો પરિવાર. આજે મારા માટે તમારા પતિ થવાથી વધુ મોટી કોઈ ખુશી નથી પત્રલેખા.’
પત્રલેખા પોલ અને રાજકુમાર રાવ બંનેએ ‘સિટીલાઇટ્સ’ ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. જોકે રાજકુમાર રાવ આ પહેલા પણ ફિલ્મમાં જોવા મળ્યો હતો, પરંતુ ‘સિટીલાઈટ્સ’થી બંનેને ઓળખ મળી. ફિલ્મમાં પત્રલેખા અને રાજકુમાર બંનેની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ ફિલ્મ માટે પત્રલેખાને ‘બેસ્ટ ફિમેલ ડેબ્યૂ’નો એવોર્ડ પણ મળ્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter