સાઉથની સુપરસ્ટાર નયનતારા અને અગ્રણી પ્રોડ્યુસર વિગ્નેશ શિવાન લગ્નબંધને બંધાયા છે. ચેન્નાઈમાં નવ જૂને યોજાયેલા લગ્નસમારોહમાં બોલિવૂડના કિંગ શાહરુખ ખાન અને સાઉથના સમ્રાટ રજનીકાંત ઉપરાંત સુર્યા, વિજય જેવા પોપ્યુલર એક્ટર્સ અને મણિરત્નમ્, એટલી અને બોની કપૂર જેવા દિગ્ગજ ફિલ્મમેકર્સે મહાબલીપુરમ ખાતે લક્ઝુરિયસ રિસોર્ટમાં યોજાયેલા મેરેજ એટેન્ડ કર્યા હતા. જ્યારે કેટરિના કૈફ, સામંથા રૂથ પ્રભુ સહિત અનેક સેલિબ્રિટીઝે સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવી હતી. વિગ્નેશે સાતમી જૂને મેરેજ ડેટ એનાઉન્સ કરી હતી અને બે દિવસ બાદ તો તેઓ લગ્નબંધને જોડાઇ ગયા હતા. નવદંપતીએ મેરેજ બાદ એક લાખ અનાથ-વૃદ્ધોને ભોજન કરાવ્યું હતું. ક્લોઝ ફ્રેન્ડ્સ અને ફેમિલીની હાજરીમાં મેરેજ સંપન્ન થયા હતા. વેડિંગમાં વિગ્નેશે કુર્તા અને શાલ સિલેક્ટ કર્યા હતા, જ્યારે નયનતારાએ પણ ટ્રેડિશનલ ડ્રેસ પસંદ કર્યો હતો. ડિઝાઈનર મોનિકા અને કરિશ્માએ વર-વધૂના નામ સાથેના ડ્રેસ તૈયાર કર્યા હતા અને તેને હાથવણાટના કારીગરો પાસે બનાવડાવ્યા હતા. નયનતારા અને વિગ્નેશ આમ તો સુપ્રસિદ્ધ યાત્રાધામ તિરુપતિમાં વેડિંગ સેરેમની રાખવા માગતા હતા, પરંતુ તે શક્ય બન્યુ ન હતું. આથી લગ્નની વિધિ માટે તેમણે તિરુપતિથી પૂજારીઓને બોલાવ્યા હતા. અલગ-અલગ મંદિરોમાંથી આવેલા 10 પૂજારીએ હિન્દુ વિધિ પ્રમાણે પરંપરાગત લગ્ન કરાવ્યા હતા. સવારે લગ્નવિધિ સંપન્ન થયા બાદ નવદંપતી દ્વારા તમિલનાડુના વિવિધ વિસ્તારોમાં એક લાખ લોકોને જમાડવામાં આવ્યા હતા. રાજ્યના વિવિધ મંદિરો, અનાથ આશ્રમો અને વૃદ્ધાશ્રમોમાં રહેતા લોકો સાથે ખુશીઓ વહેંચીને ઉજવણી કરવામાં આવી હતી.