લાપતા ગુરુચરણસિંહ સોઢીનો કોઇ અતોપતો નથી

Saturday 04th May 2024 12:43 EDT
 
 

ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશનસિંહ સોઢીનું પાત્ર ભજવીને ખૂબ લોકપ્રિય બનેલા અભિનેતા ગુરુચરણ સિંહ કથિત રીતે ગુમ થઇ ગયા છે. દિલ્હી પોલીસે આ માહિતી આપી છે. સૂત્રોએ કહ્યું હતું કે 50 વર્ષીય અભિનેતાના પિતાએ પોલીસમાં ગુરુશરણ લાપતા હોવાની ફરિયાદ નોંધાવી છે. તેમણે કહ્યું હતું કે, ફરિયાદ અનુસાર ગુરુચરણસિંહ 22 એપ્રિલે સવારે સાડા આઠ વાગે ઘરેથી એરપોર્ટ જવા નીકળ્યો હતો પરંતુ તે મુંબઈ નથી પહોંચ્યો અને તેનો ફોન મારફત પણ સંપર્ક થઇ રહ્યો નથી. પોલીસે કેસની તપાસ માટે અલગ-અલગ ટીમની રચના કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર અમે હાલ સીસીટીવી ફૂટેજ પણ ચકાસી રહ્યા છીએ જેથી જાણી શકાય કે ખરેખર શું થયું છે. દિલ્હી-3 પોલીસને 22 એપ્રિલના રોજના એક સીસીટીવી ફૂટેજ પણ મળ્યા છે, જેમાં ગુરુચરણ રાત્રે 9 વાગીને 14 મિનિટે દિલ્હીના પાલમ વિસ્તારમાં પરશુરામ ચોક પર પગપાળા ક્યાંક જતા દેખાય છે. સીસીટીવીમાં જોઇ શકાય છે કે તેમના ખભા પર બેગ છે.
ગુરુચરણસિંહે છેલ્લે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશનસિંહ સોઢીના રોલમાં જોવા મળ્યા હતા. તેમણે પોતાના પિતાના કથળતા આરોગ્યનું કારણ આપીને શો છોડયો હતો. તેઓ પોતાના પરિવાર પર ફોકસ કરવા માગતા હતા. તાજેતરમાં જ ગુરુચરણ સિંહે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પણ કરી હતી. આ પોસ્ટ તેણે ગુમ થવાના ચાર દિવસ પહેલા મૂકી હતી, જેમાં તેમણે પોતાના પિતા સાથે કેટલીક તસવીરો શેર કરી હતી. પોસ્ટમાં તેમણે પિતાને જન્મદિવસની શુભેચ્છા પણ પાઠવી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter