બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રા ફરી વાર કાનૂની મુશ્કેલીમાં ઘેરાતા જણાઈ રહ્યા છે. શિલ્પા અને રાજ કુંદ્રા સહિત એક અજાણી વ્યક્તિ સામે 60 કરોડ રૂપિયાથી વધારે રકમની છેતરપિંડીના આરોપ લાગ્યા છે. મહારાષ્ટ્ર પોલીસની આર્થિક ગુના શાખાએ આ સંદર્ભે શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા વિરુદ્ધ મુંબઈના એક બિઝનેસમેન સાથે 60.4 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો કેસ દાખલ કર્યો છે. આ છેતરપિંડી (હવે બંધ થઈ ગયેલી) તેમની કંપની બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડ સાથે જોડાયેલી એક લોન-કમ ઈન્વેસ્ટમેન્ટ ડીલના સંબંધમાં કરાઈ હતી. જેના કારણે હવે એક્ટ્રેસ અને તેમના પતિ વિરુદ્ધ જુહૂ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને ફોર્જરીની કલમો હેઠળ કેસ દાખલ કરાયો છે. જોકે, તેમાં સામેલ રકમ 10 કરોડ રૂપિયા કરતા વધારે છે, અને તેથી જ કેસ આર્થિક ગુના શાખાને ટ્રાન્સફર કરી દેવાયો છે. આ કેસ દીપક કોઠારીએ દાખલ કરેલી ફરિયાદની પ્રાથમિક તપાસ બાદ નોંધાયો છે. દીપક કોઠારી જુહૂના રહેવાસી અને એક એનબીએફસી લોટસ કેપિટલ ફાઈનાન્સિયલ સર્વિસિઝના ડાયરેક્ટર છે.
સમગ્ર પ્રકરણ શું છે?
ફરિયાદી દીપક કોઠારીએ જણાવ્યું હતું કે રાજેશ આર્ય નામની વ્યક્તિએ તેનો પરિચય રાજ કુંદ્રા અને શિલ્પા સાથે કરાવ્યો હતો. જે હોમ શોપિંગ અને ઓનલાઇન રિટેઇલ પ્લેટફોર્મ બેસ્ટ ડીલ ટીવી પ્રા.લિ.ના ડાયરેકટર હતા. તે વખતે કથિત રીતે શિલ્પા અને રાજ પાસે કંપનીના 87.6 ટકા શેર હતા. આરોપીએ કથિત રીતે 12 ટકા વ્યાજ પર 75 કરોડ રૂપિયાની લોન માગી હતી. પણ પછી તેમને હાયર ટેક્સેશનથી બચવા માટે નાણાં રોકાણ કરવા માટે રાજી કર્યા હતા. ત્યારબાદ એક બેઠક યોજાઈ અને પૈસા સમયસર પરત કરવામાં આવશે તેવા વચન સાથે સોદાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું.
લોન ક્યારે લેવામાં આવી?
એક રિપોર્ટ મુજબ આ સોદા માટે તેમના દ્વારા 60.48 કરોડ રૂપિયાથી વધુ રકમ આપવામાં આવી છે. 3.19 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી પણ ચૂકવવામાં આવી હતી. દિપક કોઠારીનું કહેવુ છે કે શિલ્પા શેટ્ટીએ એપ્રિલ 2016 માં તેમને વ્યક્તિગત ગેરંટી પણ આપી હતી. પરંતુ થોડા મહિના પછી એટલે કે સપ્ટેમ્બરમાં તેમણે કંપનીના ડાયરેક્ટર પદ પરથી રાજીનામું આપી દીધું. આ પછી તરત જ કંપની સામે 1.28 કરોડ રૂપિયાનો નાદારીનો કેસ પ્રકાશમાં આવ્યો હતો. કોઠારીનું કહેવું છે કે તેમણે વારંવાર પૈસા પાછા માંગ્યા છે, પરંતુ તેના પર કોઈ ધ્યાન અપાયું નથી. ત્યારબાદ કોઠારીએ પોતાની ફરિયાદમાં શિલ્પા અને રાજ કુન્દ્રા પર 2015-2023 દરમિયાન કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. જેમાં તેમણે વ્યવસાયિક હેતુ માટે પૈસા માંગ્યા હતા અને તેને વ્યક્તિગત ખર્ચ માટે વાપર્યા હતા.
શિલ્પા અને રાજના
વકીલનું શું કહેવું છે?
શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના વકીલ પ્રશાંત પાટીલે તમામ આરોપોને ભારપૂર્વક નકારી કાઢ્યા છે. તેમણે દાવો કર્યો છે કે ઓક્ટોબર 2024માં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)માં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે આ મામલે કોઈ ગુનો બનતો જ નથી અને તેમણે આર્થિક ગુના શાખાને તમામ જરૂરી દસ્તાવેજો સબમિટ કરી દીધા છે.