સારા બાબા કેદારનાથનાં દર્શને

Friday 19th May 2023 06:59 EDT
 
 

સારા અલી ખાનને ફરવાનો બહુ શોખ છે. જ્યારે પણ તે શૂટિંગમાંથી ફ્રી હોય ત્યારે પોતાનાં મિત્રો સાથે ફરવા નીકળી પડે છે. તાજેતરમાં જ તેણે કેદારનાથ ધામનાં દર્શન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે અભિનેત્રીની ડેબ્યુ ફિલ્મનું નામ પણ ‘કેદારનાથ’ હતું, જેમાં સુશાંતસિંહ રાજપૂત તેનો હીરો હતો. આ ફિલ્મનાં શૂટિંગ માટે તે બે મહિના અહીં રોકાઇ હતી.
સારાએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી. જેમાં તે બરફવર્ષામાં કેદારનાથ ધામનાં દર્શન કરતી નજરે પડે છે. જોકે અત્યારે તો તે દર્શન કરીને મુંબઇ પરત ફરી ચૂકી છે. તસવીરમાં દેખાય છે કે તે એક પથ્થર પર બેસીને પ્રાર્થના કરી રહી છે અને તેણે લાલ કલરની શોલ ઓઢેલી છે.
ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરતાં સારાએ પોતાનાં દિલની વાત રજૂ કરતાં કેપ્શનમાં લખ્યુઃ ‘પ્રથમ વાર હું આ જગ્યાએ આવી ત્યારે મેં કેમેરાનો સામનો પણ નહોતો કર્યો. આજે હું કેમેરા વિના મારા જીવનની કલ્પના પણ કરી શકતી નથી. ધન્યવાદ કેદારનાથ... આજે હું જે કંઇ પણ છું, મને એ બનાવવા માટે અને આ બધું આપવા માટે.’
સારાની આગામી ફિલ્મોની વાત કરીએ તો તે આદિત્ય રોય કપૂર સાથે ‘મેટ્રો ઇન દિનો’માં નજરે પડશે. આ ફિલ્મ આ વર્ષના અંત ભાગમાં રિલીઝ થવાની શક્યતા છે. આ ઉપરાંત, વિકી કૌશલ સાથે ‘લુકા છીપી 2’, ‘એ વતન મેરે વતન’માં પણ તે દેખાશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter