સિડનીમાં ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલની પૂર્ણાહુતિ

Wednesday 10th July 2024 08:23 EDT
 
 

ઓસ્ટ્રેલિયાના સિડની હાર્બર બ્રિજ ખાતે યોજાયેલા ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલના અંતિમ દિવસની રંગેચંગે ઉજવણી કરાઇ હતી. ચાર વર્ષથી અમેરિકામાં યોજાતો આ ફેસ્ટિવલ પહેલી વખત ઓસ્ટ્રેલિયામાં યોજાયો હતો. ક્રૂઝમાં ત્રીજી જુલાઇએ યોજાયેલી ફેસ્ટિવલની પૂર્ણાહુતિમાં ગુજરાત સહિત સમગ્ર ભારતની અનેક સેલેબ્રિટીઝે હાજરી આપી હતી. જેમાં સિદ્ધાર્થ રાંદેરિયા, રોનક કામદાર, દેવેન ભોજાણી, મલ્હાર ઠાકર, ગુજરાતી મૂળના આંતરરાષ્ટ્રીય ફિલ્મ મેકર પેન નલીન, ઉમેશ શુક્લ, વિરાજ ઘેલાણી અને મોનલ ગજ્જર વગેરેનો સમાવેશ થતો હતો. આ ફેસ્ટિવલનો હેતુ વર્ષ દરમિયાન રજૂ થયેલી શ્રેષ્ઠ ફિલ્મોને વિવિધ દેશમાં વસતાં બિનનિવાસી ગુજરાતી (એનઆરજી) સમુદાય સુધી પહોંચાડવાનો હોવાથી અગાઉનાં વર્ષોની જેમ ફિલ્મ સ્ક્રિનિંગની સ્પર્ધાના બદલે 10 ફિલ્મોની બેસ્ટ ઓફ ધ યર 2023-24 તરીકે પસંદગી કરાઇ હતી. જેમાં ‘બચુભાઈ’, ‘ઝમકૂડી’, ‘વાર તહેવાર’, ‘લોચા લાપસી’, ‘બિલ્ડર બોયઝ’, ‘ફાટી ને...’, ‘કસૂંબો’, ‘વેનિલા આઇસ્ક્રીમ’, ‘ઇટ્ટા કિટ્ટા’, ‘હું - તું અને સમંદર’નો સમાવેશ થતો હતો. આ ઉપરાંત આ વર્ષે બે શોર્ટ ફિલ્મની પણ ઓફિશિયલ સિલેક્શન એવોર્ડ માટે પસંદ કરાઇ હતી. જેમાં જય રાવલની ‘કેવિન પટેલ એટ યોર સર્વિસ’ અને રાહુલ વાણિયાની ‘વૃક્ષી’નો સમાવેશ થાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter