હવે અથિયા-રાહુલના લગ્નની શરણાઇ ગૂંજશે

Wednesday 11th May 2022 07:30 EDT
 
 

સુનીલ શેટ્ટીના દીકરા અહાન શેટ્ટીની ડેબ્યૂ ફિલ્મ ‘તડપ’ના પ્રીમિયરમાં અથિયા શેટ્ટી અને ક્રિકેટર કે.એલ. રાહુલે પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો હતો. હવે આ બંનેના લગ્નની ચર્ચા થઈ રહી છે. આ બંને આગામી ડિસેમ્બરમાં ગ્રાન્ડ વેડિંગ કરશે તેવી શક્યતા છે. અહેવાલ અનુસાર, સુનીલ શેટ્ટી દીકરીના લગ્ન અંગે ઘણો જ ભાવુક છે. શેટ્ટી પરિવારમાં આ પહેલાં લગ્ન છે અને પિતા તરીકે તે ઈચ્છે છે કે બધું જ પર્ફેક્ટ થાય. સૂત્રોના મતે, સુનીલ શેટ્ટીએ દીકરીના લગ્ન ડિસેમ્બરમાં કરવાનું નક્કી કર્યું છે. સુનીલે લગ્નની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માટે બેસ્ટ હોટેલ, કેટરર્સ, ડિઝાઇનર્સ બુક કરી લેવાયા છે.
અથિયા શેટ્ટીના લગ્ન ભવ્ય રીતે યોજાશે તે નક્કી છે. મોટા ભાગે આ લગ્ન જુહૂની ફાઇવ સ્ટાર હોટેલમાં યોજાશે અને બોલિવૂડની નામી-અનામી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવશે. બોલિવૂડ ઉપરાંત કે.એલ. રાહુલના નિકટના ક્રિકેટર્સ મિત્રોને પણ લગ્નપ્રસંગે આમંત્રણ આપવામાં આવશે. બોલિવૂડે છેલ્લાં કેટલાંય વર્ષોથી ગ્રાન્ડ વેડિંગ જોયા નથી. સુનીલ શેટ્ટી ઈચ્છે છે કે દીકરીના લગ્નમાં તમામ લોકો આવે. વાત એમ છે કે અથિયાના દાદાની ઈચ્છા હતી કે તેમની નજર સામે પૌત્રીના લગ્ન થાય. જોકે, 2017માં સુનીલ શેટ્ટીના પિતા વીરપ્પાનું 93 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. હવે સુનીલ શેટ્ટી પિતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા માગે છે.
અથિયા તથા રાહુલ સાઉથ ઇન્ડિયન પરંપરા અનુસાર લગ્નબંધને બંધાશે, કારણ કે સુનીલ શેટ્ટીનો જન્મ મુલ્કી, મેંગલોરમાં થયો છે તો કે.એલ. રાહુલ પણ મેંગલોરિયન છે. આથી જ કપલ દક્ષિણ ભારતીય રીતરિવાજ પ્રમાણે લગ્ન કરશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter