ટીમ ઇંડિયાના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંઘના જીવન પર આધારિત બાયોપિક બનાવવાનું નક્કી થયું છે. ભૂષણ કુમારની કંપની ટી-સિરીઝ આ ફિલ્મનું નિર્માણ કરશે અને આ ડાબોડી વિસ્ફોટક બેટ્સમેનની જીવનની પ્રેરણાદાયી સફરને મોટા પડદે રજૂ કરશે. આ પ્રોજેક્ટમાં ‘સચીન - એ બિલિયન ડ્રીમ્સ’થી જાણીતા રવિ ભગચંદકા સહનિર્માતાની ભૂમિકામાં રહેશે. રવિની આગામી ફિલ્મ આમિર ખાનને ચમકાવતી ‘સિતારેં ઝમીન પર’ પણ ટૂંક સમયમાં રજૂ થશે. યુવરાજની આ બાયોપિકનું ટાઈટલ તો હજુ નક્કી થયું નથી, પણ ફિલ્મમાં યુવરાજની પ્રેરક જીવન સફરની ઉજવણી અને તેના યોગદાનને બખુબી દર્શાવાશે. જેમાં તેની કારકિર્દીના વિવિધ તબક્કા અને તેના દ્વારા 2007ના ટી20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામેની મેચમાં ફટકારાયેલા અભૂતપૂર્વ છ છગ્ગા ઉપરાંત મેદાન બહાર તેણે કરેલો સંઘર્ષ તથા 2012માં ક્રિકેટમાં પુનરાગમન જેવા પાસાઓને આ ફિલ્મમાં વણી લેવાશે. યુવરાજ સિંઘે 13 વર્ષની ઉંમરે કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો અને તેને આશા છે કે, તેની વાર્તા લોકોને પડકારો પાર કરવામાં મદદરૂપ થશે. પૂર્વ ઓલ-રાઉન્ડરે જણાવ્યું કે, ભૂષણ અને રવિ દ્વારા મારી વાર્તાને વિશ્વભરમાં રહેલા લાખો ચાહકોને દર્શાવવામાં આવશે તેનાથી હું સન્માનની લાગણી અનુભવું છું. ક્રિકેટ હંમેશા પહેલો પ્રેમ રહ્યો છે અને જીવનના ઉતાર-ચઢાવમાં સૌથી મોટી તાકાતનો સ્રોત પણ તે જ છે.