રેખા પછી મુજરા લુકને સ્ટનિંગ બનાવનારી જો કોઈ એક્ટ્રેસ હોય તો એ માધુરી દીક્ષિત જ છે. સંજય લીલા ભણસાળીની ‘દેવદાસ’માં ચન્દ્રમુખી તરીકેનું તેનું પરફોર્મન્સ એપિક રહ્યું હતું. હવે એવા અહેવાલ છે કે, ભણસાળી અને માધુરી વધુ એક વખત સાથે કામ કરવા જઈ રહ્યા છે. ફિલ્મજગતના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સંજય લીલા ભણસાળીએ તેમની મહાત્વાકાંક્ષી સીરિઝ ‘હીરામંડી’ માટેની કાસ્ટને લગભગ ફાઇનલ કરી દીધી છે, જેને તેઓ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ માટે પ્લાનિંગ કરી રહ્યા છે.
આ સીરિઝને ભવ્ય રીતે તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં સોનાક્ષી સિંહા અને હુમા કુરેશીને મહત્વના રોલ્સ માટે કાસ્ટ કરવામાં આવ્યા છે. તેમના સિવાય ભણસાળી આ સીરિઝમાં એક બ્યૂટિફુલ મુજરા માટે માધુરીને કાસ્ટ કરવા ઇચ્છે છે, જે આ સીરિઝની એક હાઇલાઇટ રહેશે.