‘કલ્કિ’ને સ્ટેન્ડિંગ ઓવેશન, પણ દિલ બચ્ચને જીત્યું

Sunday 30th June 2024 07:50 EDT
 
 

દર્શકોને કાલ્પનિક ભવિષ્યની સફર લઈ જવાનો વાયદો કરતી ફિલ્મ ‘કલ્કિ 2898 એડી’ની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. 27 જૂને દેશભરમાં રિલીઝ થઈ રહેલી આ ફિલ્મમાં પ્રભાસ લીડ રોલમાં છે. તો નાગ અશ્વિનની આ ફિલ્મમાં બોલિવૂડ લિજેન્ડ અમિતાભ બચ્ચન અને દીપિકા પાદુકોણ પણ મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું થ્રી-ડી વર્ઝન સેન્સર બોર્ડ સમક્ષ રજૂ કરાયું ત્યારે બોર્ડના સભ્યો ફિલ્મના અદભૂત દૃશ્યો અને નાગ અશ્વિનના વિઝનરી ડિરેક્શનથી ખૂબ પ્રભાવિત થયા હોવાના અહેવાલ છે. કહેવાય છે કે બોર્ડના સભ્યોએ સ્ક્રિનિંગ પછી ફિલ્મને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.
મુંબઈમાં આ ફિલ્મનો સ્પેશિયલ શો યોજાયો હતો, જેમાં ફિલ્મની સ્ટારકાસ્ટ હાજર હતી. આ કાર્યક્રમમાં અમિતાભે અશ્વિની દત્તને પગે લાગીને બધાને આશ્ચર્યચકિત કરી દીધાં હતાં. અશ્વિની સ્ટેજ પર પહોંચ્યા તો અમિતાભે તેમનો પરિચય આપતાં કહ્યું હતું કે, ‘તેઓ પોતાની બે દીકરીઓ (સ્વપ્ના અને પ્રિયંકા) સાથે વૈજંથી ફિલ્મ્સના માલિક છે અને મેં ક્યારેય તેમના જેવા સરળ અને વિનમ્ર માણસ જોયા નથી. દરેક વખતે તેઓ સેટ પર પહોંચનાર તેઓ પહેલા વ્યક્તિ હતા, એ તમને એરપોર્ટ પર રિસિવ કરવા આવે છે અને તમારી સુરક્ષાની પૂરતી કાળજી રાખે છે, કોઈ એમની જેમ વિચારતું નથી.’ આ પછી અમિતાભે કહ્યું, ‘સંપૂર્ણ આદર-સન્માન સાથે’ અને તેમણે અશ્વિની દત્તને ચરણસ્પર્શ કર્યા હતા. આ દૃશ્યને મહેમાનોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું. આ વીડિયો રામગોપાલ વર્માએ એક્સ પર શેર પણ કર્યો હતો. અશ્વિની દત્તની દીકરી પ્રિયંકા ફિલ્મના ડિરેક્ટર નાગ અશ્વિનીની પત્ની છે. અશ્વિની 1974થી ફિલ્મ પ્રોડયુસર છે. મુંબઈ ખાતેની આ ઇવેન્ટ વખતે પણ અશ્વિની સામાન્ય મહેમાનની જેમ બહાર ઊભા હતા. દીપિકા વેન્યુમાં અંદર જતાં તેમને જોઈ ગઈ અને પાછી વળીને તેમને પૂછવા ગઈ હતી કે, તમે કેમ અહીં ઉભા છો ત્યારે અશ્વિનીએ નમ્રતાથી કહ્યું હતું કે ‘તમે પહોંચો હું હમણાં આવી જઈશ.’ આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter