ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણની તમિળ ફિલ્મ ‘કોબ્રા’ ટૂંક સમયમાં રિલીઝ થશે. ઈરફાને આ ફિલ્મનું ટ્રેલર શેર કરતાં તેને ક્રિકેટ અને બોલિવૂડની કેટલીય હસ્તીઓએ અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યાં હતાં. આ ફિલ્મમાં ઈરફાન તુર્કીમાં ફરજ બજાવતા ઈન્ટરપોલ એજન્ટના રોલમાં હોવાનું કહેવાય છે. આ ફિલ્મ મૂળ તો 2020માં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોનાને કારણે અટકી પડી હતી. ફિલ્મમાં સાઉથ ઇન્ડિયાના કલાકારોએ ભૂમિકા ભજવી છે. ફિલ્મમાં સંગીત એ. આર. રહેમાનનું છે. ફિલ્મ તમિળ ઉપરાંત મલયાલમ, તેલુગુ અને કન્નડમાં પણ રજૂ થવાની છે.
જોકે, ભૂતકાળમાં કોઈ ક્રિકેટરને એક્ટિંગમાં સફળતા મળી નથી. સૈયદ કિરમાણી, સંદિપ પાટિલ, અજય જાડેજા અને વિનોદ કાંબલી એક યા બીજા તબક્કે એક્ટિંગમાં હાથ અજમાવી ચૂક્યા છે. પાકિસ્તાની ક્રિકેટર મોહસીન ખાને પણ બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં કામ કર્યું હતું.