‘બાફ્ટા’ની બેસ્ટ એક્ટર કેટેગરીમાં નોમિનેશન મેળવતો આદર્શ ગૌરવ

Wednesday 17th March 2021 05:00 EDT
 
 

આ વર્ષના ‘બાફ્ટા’ એવોર્ડ્ઝ માટેના ફાઇનલ નોમિનેશન્સ મંગળવારે જાહેર કરાયા છે, જેમાં આદર્શ ગૌરવે રમિન બહરાનીની ‘ધ વ્હાઇટ ટાઇગર’ ફિલ્મમાં દમદાર પરફોર્મન્સ બદલ બેસ્ટ એક્ટરની કેટેગરીમાં નોમિનેશન મેળવ્યું હતું. ‘ધ વ્હાઇટ ટાઇગર’માં પ્રિયંકા ચોપરા અને રાજકુમાર રાવ પણ હતા.‘ધ વ્હાઇટ ટાઇગર’માં પ્રિયંકા અને રાજકુમાર રિચ મેરિડ કપલના રોલ્સમાં જોવા મળ્યા જ્યારે આદર્શે તેમના ગરીબ ડ્રાઇવર બલરામ હલવાઈનો રોલ પ્લે કર્યો હતો.
આ નોમિનેશન્સ જાહેર થયા બાદ આદર્શની કો-સ્ટાર અને ફિલ્મની એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર પ્રિયંકા ચોપરાએ ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી. ‘ધ વ્હાઇટ ટાઇગર’ ફિલ્મ જાણીતા લેખક અરવિંદ અડીગાની આ જ નામની મેન બુકર પ્રાઇઝ વિનિંગ નોવેલ પર આધારિત છે. આ ફિલ્મ બેસ્ટ એડપ્ટેડ સ્ક્રીનપ્લે કેટેગરીમાં પણ નોમિનેટ થઈ હતી.
એક ટ્વીટમાં પ્રિયંકાએ લખ્યું હતુંઃ ‘સંપૂર્ણપણે ઇન્ડિયન સ્ટારકાસ્ટ ધરાવતી ફિલ્મ માટે બે ‘બાફ્ટા’ નોમિનેશન્સ સાથે ઇન્ડિયન ટેલેન્ટ માટે ગર્વની ક્ષણ. આદર્શ ગૌરવ માટે અત્યંત ખુશ. આ સન્માન માટે તમે પાત્ર છો. રમિન બહરાની કોંગ્રેચ્યુલેશન્સ. તમે ખૂબ ડિઝર્વ કરો છો.’
‘બાફ્ટા’ની બેસ્ટ એક્ટર કેટેગરીમાં પોતે નોમિનેશન મેળવ્યું હોવાનું માનવું આદર્શ ગૌરવ માટે મુશ્કેલ હતું. તેણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, ‘એવું પાત્ર પ્લે કરવા માટે મારામાં વિશ્વાસ મૂકવા બદલ રમિનનો આભાર કે જેમણે મેં અત્યાર સુધી અનુભવ કર્યો છે એનાથી પણ ઘણું બધું વિશેષ આપ્યું છે. આ ફિલ્મની ટીમને બે બાફ્ટા નોમિનેશન્સ બદલ કોંગ્રેચ્યુલેશન્સ.’
આદર્શ ગૌરવ સિવાય સ્વર્ગસ્થ એક્ટર ચેડવિક બોસમેન (‘મા રેઇનીઝ બ્લેક બોટમ’), રિઝ એહમદ (‘સાઉન્ડ ઓફ મેટલ’), એન્થની હોપકિન્સ (‘ધ ફાધર’), મેડ્સ મિકેલસેન (‘અનધર રાઉન્ડ’) અને તહર રહિમ (‘ધ મોરિટેનિયન’) પણ ‘બાફ્ટા’ની બેસ્ટ એક્ટર કેટેગરીમાં નોમિનેશન મેળવ્યું છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter