‘બિગ બી’ ગુજરાતી ફિલ્મમાં

Monday 20th June 2022 06:53 EDT
 
 

હિન્દી ફિલ્મોના જાણીતા પ્રોડ્યુસર આનંદ પંડિતે હવે મરાઠી અને ગુજરાતી ફિલ્મો પર કામ શરૂ કર્યું છે. તેમની લેટેસ્ટ ફેમિલી કોમેડી ફિલ્મ ‘ફકત મહિલાઓ માટે’માં અમિતાભ બચ્ચન મહત્ત્વનો રોલ કરવાના છે. વૈશલ શાહના સહકારમાં બની રહેલી આ ફિલ્મમાં ગુજરાતી સ્ટાર યશ સોની અને દિક્ષા જોષી લીડ રોલમાં છે. જય બોડાસ તેનું ડિરેક્શન કરવાના છે અને સુપરસ્ટાર બિગ બીનો તેમાં કેમિયો છે.
આ અંગે પ્રોડ્યુસર આનંદ પંડિતે જણાવ્યું હતું કે, અમિતજી વગર કોઈ પણ પ્રોજેક્ટનો વિચાર કરવો તેમના માટે અઘરું છે. અમિતાભ બચ્ચન વર્ષોથી અનેક રીતે ગાઈડ કરે છે અને મેન્ટર તથા ફ્રેન્ડ છે. ‘ફકત મહિલાઓ માટે’ ફિલ્મમાં કેમિયો માટે પૂછવામાં આવતાં તેમણે તરત જ હા પાડી હતી. ડિરેક્ટર અથવા સ્ક્રિપ્ટ વિશે સવાલ પૂછ્યા વગર તેઓ સેટ પર આવી ગયા હતા. ગુજરાતી ફિલ્મમાં અમિતાભ બચ્ચન ગુજરાતી કેરેક્ટર કરતા હોય તેવું પહેલી વાર બની રહ્યું છે. અમિતાભ બચ્ચને સેટ પર પહોંચીને સ્ક્રિપ્ટ સાંભળી હતી અને તેઓ ખૂબ હસ્યા હતા. નિયત સમયે આવીને તેમણે સીન્સ પૂરા કર્યા હતા. તેમને ખૂબ સહજતાથી ગુજરાતી ડાયલોગ્સ બોલતા જોઈને ઘણાંને નવાઈ લાગી હતી. ‘લાવારિસ’ ફિલ્મના એક કોમિક સીનમાં તેઓ ઘણી ભાષાઓ બોલ્યા હતા અને તે સમયથી મને લાગતું હતું કે મારી ગુજરાતી ફિલ્મ માટે તેઓ કેમેરા ફેસ કરશે, એમ પંડિતે કહ્યું હતું. આ ફિલ્મ આગામી ઓગસ્ટમાં રિલિઝ થવાની છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ અમિતાભ બચ્ચને ગીર અને કચ્છ સહિતના સ્થળે ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે એડવર્ટાઈઝમેન્ટ કરી હતી અને તેમની અપીલના પગલે ટુરિઝમને વેગ
મળ્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter