‘બિલિયોનેર બેબી’ બનશે રાહા

Wednesday 03rd April 2024 06:41 EDT
 
 

સેલિબ્રિટી કપલની યાદીમાં રણબીર કપૂર - આલિયા ભટ્ટની લોકપ્રિયતા ટોચ પર છે. ફિલ્મોની જેમ જ રિયલ લાઈફમાં પણ તેમની જોડી ચાહકોને પસંદ છે. મુંબઈમાં બાંદ્રા ખાતે આ કપલનો નવો બંગલો બની રહ્યો છે. આશરે 250 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા આ બંગલોની તાજેતરમાં રણબીર - આલિયાની સાથે નીતુ કપૂરે મુલાકાત લીધી હતી. બંગલો તૈયાર થતાં પહેલાં જ તેને દીકરી રાહાના નામે કરી દેવાનો નિર્ણય રણબીર-આલિયાએ લીધો છે. આલિયા-રણબીરની દીકરી રાહાની ઉંમર માત્ર એક વર્ષની છે. આ નવો બંગલાની માલિકી રાહાને મળી જાય તો તેને બોલિવૂડમાં ‘યંગેસ્ટ અને રિચેસ્ટ’ સ્ટાર કિડનું ટાઈટલ મળશે.

મુંબઈમાં વસતા સેલિબ્રિટીઝના સૌથી મોંઘા બંગલામાં રણબીર અને પરિવારના નવા બંગલાનો સમાવેશ થશે. શાહરુખ ખાનના ‘મન્નત’ અને અમિતાભ બચ્ચનના ‘જલસા’ કરતાં આ બંગલાની કિંમત વધારે રહેવાનો અંદાજ છે. લક્ઝુરિયસ બંગલો બનાવવા માટે રણબીર અને આલિયા બંને પોતાની કમાણીમાંથી નાણાં ખર્ચી રહ્યા છે. રણબીર-આલિયાનું ડ્રીમ હાઉસ તૈયાર થઈ જશે ત્યારે તેની કિંમત રૂ. 250 કરોડથી વધારે હશે. રણબીર-આલિયા દીકરી રાહાને ખૂબ ચાહે છે અને આ પ્રેમની અભિવ્યક્તિના ભાગરૂપે તેઓ આ બંગલો રાહાના નામે કરશે. આ બંગલો ઉપરાંત આલિયા-રણબીર બાંદ્રામાં ચાર ફ્લેટ ધરાવે છે, જેની કિંમત રૂ. 60 કરોડથી વધુ છે. ઉલ્લેખનીય છે કે, રાહાની સાથે તેના દાદી અને રણબીરના માતા નીતુ કપૂરને બંગલોના સહમાલિક બનાવવામાં આવશે. ઋષિ કપૂરે પોતાના મૃત્યુ પહેલાં નીતુ કપૂરને પોતાની તમામ મિલકતમાં અડધો ભાગ આપ્યો હતો. નીતુ કપૂર પોતે આર્થિક રીતે સદ્ધર છે. થોડા સમય પહેલા તેમણે બાંદ્રામાં રૂ. 15 કરોડનું એપાર્ટમેન્ટ ખરીદ્યુ છે. સોર્સીસના જણાવ્યા મુજબ, બંગલો તૈયાર થઈ ગયા પછી નીતુ કપૂર સહિત સમગ્ર કપૂર પરિવાર ત્યાં રહેવા આવી જશે. હાલ રણબીર-આલિયા અને રાહા ‘વાસ્તુ’ નામના બંગલોમાં રહે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter