‘મારી કારકિર્દીનો પ્રારંભ ગુજરાતી રંગભૂમિથી...’

Saturday 30th July 2022 07:06 EDT
 
 

આમિર ખાનની લાંબા સમયથી રાહ જોવાઇ રહેલી ફિલ્મ ‘લાલસિંઘ ચઢ્ઢા’ રિલીઝ થવા આડે થોડાક જ અઠવાડિયા બાકી છે. ફિલ્મના પ્રમોશનના ભાગરૂપે તાજેતરમાં આમિર ખાન અને પ્રતીક ગાંધી વચ્ચે ફિલ્મના મુદ્દે લાંબી ચર્ચા થઈ હતી. જેમાં આમિર ખાને રસપ્રદ ખુલાસો કર્યો છે કે તેની કરિયરની શરૂઆત ગુજરાતી રંગભૂમિથી કરી છે. ગુજરાતી રંગભૂમિ ક્ષેત્રે આગવી નામના મેળવી ચૂકેલા પ્રતીક ગાંધી પણ આ વાત સાંભળીને આશ્ચર્યચકિત થઇ ગયો હતો. પ્રતીક ગાંધીની વેબસિરીઝ ‘સ્કેમ 1992’ રિલીઝ થયા બાદ આમીર ખાને પ્રતીકને ફોન કરીને તેના ઉત્કૃષ્ટ અભિનય બદલ અભિનંદન આપ્યા હતા. તો પ્રતીક ગાંધીએ પણ કહ્યું કે પોતે આમીરની ‘દંગલ’, ‘લગાન’, ‘ગજની’, ‘તારેં જમીન પર’ સહિત અનેક ફિલ્મોના ફેન છે. બન્ને સ્ટાર્સ વચ્ચે થયેલી વાતચીતમાં ગુજરાતી ખાણીપીણી, ગુજરાતની સંસ્કૃતિ અને પતંગ મુદ્દે પણ ઘણી ચર્ચા થઈ. બન્ને એક્ટર્સના થિયેટર અને ફિલ્મ પ્રત્યેના
પ્રેમને કારણે આ મુદ્દે આમીર ખાન અને પ્રતીક ગાંધી વચ્ચે ઇન્ટેન્સ ચર્ચા થઈ હતી.
હું કપડાંને ઇસ્ત્રી કરવાનું કામ કરતો હતોઃ આમીર
આમીર ખાને કહ્યું કે, ‘ઘણા લોકો જાણતા નથી કે મેં મારી કારકિર્દીની શરૂઆત ગુજરાતી થિયેટરથી કરી હતી. હું પહેલા બેકસ્ટેજમાં હતો અને ‘અવંતર’ના થિયેટર ગ્રૂપ માટે કામ કરતો હતો. જ્યાં દિગ્ગજ મહેન્દ્ર જોશી ડિરેકટર હતા. મેં દોઢ વર્ષથી વધુ સમય સુધી બેકસ્ટેજ કામ કર્યું હતું. જેમાં હું કપડાને ઇસ્ત્રી કરવી, પ્રોપ્સ અને કોસ્ચ્યુમ યોગ્ય રીતે ગોઠવવા, ફલોર સાફ કરવી અને અન્ય લોકોને ચા પીરસવાનો સમાવેશ થાય છે. ત્યાં મારા કાર્યકાળ દરમિયાન અમે ‘ખેલૈયા’ નામનું એક ખૂબ જ પ્રખ્યાત નાટક કર્યું, જેમાં પરેશ રાવલ મુખ્ય કલાકાર હતા.’


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter