‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ની અક્ષરાને ત્રીજા સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર

Sunday 07th July 2024 08:37 EDT
 
 

જાણીતી ટેલિવિઝન એક્ટ્રેસ હિના ખાન વિશે ચોંકાવનારા સમાચાર આવ્યા છે. હિના ત્રીજા સ્ટેજના બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહી છે. તેણે ખુદે આ સમાચાર સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરતાં જણાવ્યું છે કે તેની સારવાર શરૂ થઈ ગઈ છે. તે દરેકના પ્રેમ માટે આભારી છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે હિના કેન્સરથી પીડિત છે પરંતુ ભાગ્યે જ કોઈએ આ સમાચાર પર વિશ્વાસ કર્યો હતો. જોકે હવે જ્યારે એક્ટ્રેસે પોતે જ ખુલાસો કર્યો છે ત્યારે દરેક ફેન્સ શોકમાં ગરકાવ છે. બ્રેસ્ટ કેન્સર વિશે વાત કરતાં એક્ટ્રેસે લખ્યું. ‘મારા વિશે કેટલીક અફવાઓ ચાલી રહી છે. હું તમારા બધા સાથે એક જરૂરી સમાચાર શેર કરવા માગું છું. ખાસ કરીને જેઓ મને પ્રેમ કરે છે, મારી કાળજી રાખે છે. મને ત્રીજા સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર છે. એની સારવાર શરૂ થઇ ચૂકી છે. ઘણી સમસ્યાઓનો સામનો કરવા છતા હું તમને ભરોસો આપું છું કે હું ઠીક છું. હું આ બીમારી સામે લડવા સંપૂર્ણ રીતે તૈયાર છું. મને મજબૂત રાખે તેવું દરેક કામ કરવા હું તૈયાર છું.’
હીના ખાન ટેલિવિઝન શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં અક્ષરાના રોલથી જાણીતી છે. આ શોમાં તેણે સંસ્કારી વહુનો રોલ નિભાવીને દરેક ઘરમાં અને દરેક દિલમાં પોતાની જગ્યા બનાવી છે. ‘કસોટી ઝિંદગી કી-2’માં તેણે કોમોલિકાનો રોલ પ્લે કર્યો હતો. આ પછી તે ‘બિગ બોસ 11’માં પણ જોવા મળી હતી. હિના આ શોની વિજેતા તો નથી બની, પરંતુ ‘બિગ બોસ’થી તેની લોકપ્રિયતા બમણી થઈ ગઈ છે. 2020માં હિના ખાને ‘હેક્ડ' ફિલ્મથી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યાર બાદ તેણે ‘લાઈન્સ’માં કામ કર્યું હતું. આ ફિલ્મ હુસૈન ખાને ડિરેક્ટ કરી હતી. ફિલ્મમાં ફરીદા જલાલ પણ હતાં.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter