‘સુંદર બે બાયડીવાળો’ યુકેમાં

ડબલ ધમાલ અને ત્રિપલ સેન્ચ્યુરી

Monday 19th August 2019 08:48 EDT
 
કલાકાર: સંજય ગોરડિયા, પૂજા દમણિયા, ભાસ્કર ભોજક, ફલક મહેતા, કિંજલ પંચાલ, સાગર રાવલ, સાહેબ ત્રિવેદી, વિમલ પટેલ, વિનોદ સરવૈયા
 

કોઈ નાટકના ૧૦૦ શો પૂરા થાય એ એક ઘટના છે, ૨૦૦ પૂરા થાય એ સિદ્ધિ છે અને જો ૩૦૦ શો પૂરા થાય તો એ મહાસિદ્ધિ છે. સંજય ગોરડિયા નિર્મિત-દિગ્દર્શિત અને વિનોદ સરવૈયા લિખિત ‘સુંદર બે બાયડીવાળો’ નાટકે આ મહાસિદ્ધિ હાંસલ કરી છે. સંજય ગોરડિયા માત્ર એક પ્રતિષ્ઠિત નિર્માતા અને એક્ટર નહીં, પરંતુ એક સફળ કોલમિસ્ટ તરીકે હાઉસહોલ્ડ નેમ છે. સોશિયલ મીડિયાને પ્રતાપે અવારનવાર એમના નાટકના દૃશ્યોના અંશની ક્લિપ્સ વ્હોટ્સએપ પર પણ જોવા મળે છે. સંજય ગોરડિયાના ચાહકો માટે આમાં એક સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફર છે.
આ નાટકમાં એક સંજય ગોરડિયા સાથે એક સંજય ગોરડિયા ફ્રી છે એટલે કે સંજય ગોરડિયા ડબલ રોલમાં છે. બે પત્ની હોવી કાયદેસર ગુનો છે, પણ કહેવાય છે ને કે ‘એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર.’ તો આ નાટકમાં આવી જ કંઈક વાર્તા છે. વાર્તા સુંદર નામના માણસની છે. તે રાજકોટથી મુંબઈ આવે છે. સુંદર માત્ર પૈસા કમાવા મુંબઈ આવ્યો છે. પૈસા મેળવવા એ કોઈને છેતરતાં પણ અચકાતો નથી. એ જે સ્ત્રીના ઘરે ભાડે રહે છે એ એની સામે એક પ્રસ્તાવ મૂકે છે કે જો તું મારી સાથે લગ્ન કરીશ તો હું તને રૂ. એક કરોડ આપીશ. કોઈ પણ માટે આ તો ભાવતું તું ને વૈદે કહ્યું જેવું થાય, પણ એવું નથી કારણ કે વૈદની આ દવા સુંદર માટે કડુ કડિયાતાથી પણ વધુ કડવી છે અને સત્ય હંમેશા કડવું હોય છે. સુંદરના જીવનની સચ્ચાઈ એ છે કે એ તે પહેલેથી પરણેલો છે. જોકે એ આ વાત છુપી રાખી આ લગ્ન કરવા તરત જ હા પાડી દે છે કારણ કે એના મનમાં એક જ માસ્ટર પ્લાન છે. એ પ્લાન એ છે કે આબેહુબ એના જેવો જ દેખાતો એક જોડીયો ભાઈ છે. એનું નામ અતિસુંદર છે. સુંદરનો પ્લાન છે કે એના ભાઈ અતિસુંદરના લગ્ન આ સ્ત્રી સાથે કરાવી દેવા. અતિસુંદર થોડોક મંદબુદ્ધિનો અને કહ્યાગરો છે. બોલવામાં તે થોડો થોથવાય છે. સુંદરનું એક જ ધ્યેય છે અતિસુંદરને આ સ્ત્રી સાથે પરણાવી દેવાય પછી પડશે એવા દેવાશે. વાર્તામાં મોટો વળાંક ત્યારે આવે છે જ્યારે સુંદરની પત્ની એને શોધતી શોધતી મુંબઇ આવી ચડે છે. સુંદરનો ખાસ મિત્ર ઊંદર અને એની ગર્લફ્રેન્ડ પણ આ ગોટાળામાં ચકરાવામાં ચડે છે અને એક હાસ્યનું ચકડોળ સર્જાય છે જે પ્રેક્ષકોને હસાવી-હસાવીને એમના હાજા ગગડાવી નાંખે છે.
આ નાટકના મુંબઈમાં ૧૦૦, ગુજરાતમાં ૧૫૦ અને અમેરિકા, કેન્યા, દુબઈ સહિત વિશ્વભરમાં ૫૦ એમ કુલ ૩૦૦ પ્રયોગ થયા છે અને ૨૦૦માં શોની ઉજવણી રૂપે ફિલ્મસ્ટાર શ્રી શત્રુઘ્ન સિંહા અને અલી અસગરને હસ્તે સમગ્ર ટીમને ટ્રોફી આપવામાં આવી હતી. આ જ વિક્રમસર્જક નાટક ૨૯મી ઓગસ્ટથી ૨૨ સપ્ટેમ્બર યુકેમાં પ્રસ્તુતિ પામી રહ્યું છે. તેનું આયોજન ગેલેક્સી એન્ટરટેઇનમેન્ટના પંકજ સોઢાએ કર્યું છે. નાટ્યપ્રેમીઓને ખાતરી છે કે મુંબઈમાં વાહવાહી અને ગુજરાતમાં જયજયકાર મેળવનાર આ નાટકનો લંડનવાસીઓ આતુરતાથી ઈંતેઝાર કરે છે. ત્રણ કલાકમાં પૈસા ડબલ નથી થતા પણ ખર્ચેલા પૈસાનું બમણું મનોરંજન મળી શકે છે એટલે સુંદર અને અતિસુંદર બાય વન ગેટ વન ફ્રી ઓફરનો જરૂર લાભ લેવો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter