પીઢ અભિનેત્રી વિદ્યા સિંહાનું નિધન

Wednesday 21st August 2019 11:29 EDT
 
 

વીતેલા જમાનાનાં લોકપ્રિય અભિનેત્રી વિદ્યા સિંહા (૭૧)નું ૧૫મી ઓગસ્ટના રોજ મુંબઈમાં નિધન થયું હતું. તેમણે મુંબઈમાં જૂહુ સ્થિત ક્રિટિકેર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધાં હતાં. તેમનું નિધન બપોરે ૧૨.૦૦ વાગ્યાની આસપાસ થયું હતું. વિદ્યા સિંહાને ફેફસાં તથા કાર્ડિયાક ડિસઓર્ડરની બીમારી હતી. ત્રણ મહિના પહેલાં તેમની  બીમારી અંગે જાણ થઈ હતી. વિદ્યા સિંહાની તબિયત ગંભીર હતી અને તેમને હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં હતાં. તેમનું બ્લડપ્રેશર તથા પર્લ્સ રેટ પણ અસ્થિર રહેતા હતા. વિદ્યાને એન્જિયોગ્રાફી કરાવવાની સલાહ આપી હતી, પરંતુ સંબંધીઓ આ વાત પર સહમત નહોતાં. વિદ્યા સિંહાએ ‘છોટી સી બાત’, ‘રજનીગંધા’, ‘પતિ પત્ની ઔર વો’, ‘તુમ્હારે લિયે’, ‘મુકિત’, ‘સફેદ જૂઠ’ સહિતની ફિલ્મ્સમાં કામ કર્યું હતું. તેમણે લોકપ્રિય ટીવી સિરિયલ ‘કાવ્યાંજલિ’, ‘કબૂલ હૈ’, ‘કુલ્ફી કુમાર બાજેવાલા’માં કામ કર્યું હતું. વિદ્યા તેમની રીલ લાઈફ સિવાય રિયલ લાઈફને લઈને પણ ઘણા ચર્ચામાં રહ્યાં હતાં. તેમણે ૨૦૦૯માં તેમના બીજા પતિ નેતાજી ભીમરાવ સાલુકે વિરુદ્ધ તેમણે પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. ફરિયાદમાં વિદ્યાને તેઓ માનસિક અને શારિરીક ત્રાસ આપતા હોવાનો આરોપ હતો. તેમણે પતિ વિરુદ્ધ કેસ કર્યો હતો જે તેઓ જીતી ગયાં હતાં. ત્યારબાદ બંનેએ ડિવોર્સ લઇ લીધાં હતાં.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter