આઇપીએલની તમામ મેચો ભારતમાં જ રમાશેઃ ટૂંક સમયમાં બાકી કાર્યક્રમ જાહેર થશે

Tuesday 19th March 2024 16:59 EDT
 
 

નવી દિલ્હી: ભારતીય ચૂંટણી પંચે આગામી લોકસભાની ચૂંટણીનો વિસ્તૃત કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ પછી આઈપીએલની શરૂઆતની 21 મેચીસ બાદનો બીજો તબક્કો વિદેશની ભૂમિ પર રમાડાશે તેવી અટકળો શરૂ થઈ હતી. જોકે બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે આ ચર્ચાને વિરામ આપતાં કહ્યું હતુ કે, આઈપીએલની આગામી સિઝનની તમામ મેચો ભારતની ભૂમિ પર યોજાશે. ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. હવે ટૂંક સમયમાં આઇપીએલની બાકીની 53 મેચોનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવશે.
બીસીસીઆઇએ અગાઉ આઇપીએલની શરૂઆતની 21 મેચનો કાર્યક્રમ જાહેર કરી દીધો હતો. આઈપીએલની શરૂઆત 22મી માર્ચથી થઇ રહી છે અને અત્યાર સુધીમાં 7 એપ્રિલ સુધીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આઈપીએલની એક સિઝનમાં કુલ 74 મેચ રમાય છે અને આ અનુસાર લીગની 53 મેચનો કાર્યક્રમ હવે પછી જાહેર થવાનો છે. બીસીસીઆઈ અગાઉ પણ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે, આઈપીએલની આખી સિઝન ભારતમાં રમાશે.
મુંબઇ ઇંડિયન્સની પહેલી મેચ ગુજરાત સામે
મુંબઇ ઇન્ડિયન્સની પહેલી મેચ 24 માર્ચે ગુજરાત ટાઇટન્સ સામે રમાશે. એટલે કે હાર્દિક પંડયાની પહેલી પરીક્ષા તેની જૂની ફ્રેન્ચાઇઝી સામે થશે. હાર્દિકની કેપ્ટનશિપ હેઠળ ગુજરાત ટાઇટન્સની ટીમ બે વાર આઇપીએલ ફાઇનલમાં રમી છે. આઇપીએલ 2022માં ટીમ પહેલી જ સીઝનમાં ચેમ્પિયન બની હતી.
મુંબઇએ ગુજરાત પાસેથી હાર્દિક પંડ્યાને ટ્રેડ કર્યો હતો અને પછી તેને રોહિત શર્માના સ્થાને ટીમનો સુકાની બનાવ્યો છે. જેના કારણે પ્રશંસકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter