આથિયા-રાહુલ સપ્તપદીના બંધને બંધાયા

Wednesday 25th January 2023 06:52 EST
 
 

સુનિલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી અને ટીમ ઇંડિયાનો વિકેટકીપર બેટ્સમેન કે.એલ. રાહુલ લગ્નબંધને બંધાયા છે. સુનિલ શેટ્ટીના ખંડાલા સ્થિત ફાર્મહાઉસ ખાતે શાનદાર મેરેજ ફંકશન યોજાયું હતું. કહેવાય છે કે સોમવારે યોજાયેલા આ લગ્નસમારોહમાં પરિવારના સભ્યો અને બંનેનું ફ્રેન્ડ સર્કલ જ સામેલ થયું હતું. લગ્નપ્રસંગે ફક્ત 100 મહેમાનોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને આવનાર મહેમાનોના ફોનના ઉપયોગ પર પણ પ્રતિબંધ લદાયો હતો. આથિયા અને રાહુલ તેમના લગ્ન સમારંભને લો-પ્રોફાઇલ રાખવા માંગતા હોવાથી મીડિયાને ઈવેન્ટથી દૂર રાખવામાં આવ્યું હતું.
આથિયા અને રાહુલનું પ્રેમપ્રકરણ એક કોમન ફ્રેન્ડે બંનેની મુલાકાત કરાવ્યા બાદ શરૂ થયું હતું. લગ્ન બાદ મોડી સાંજે બંનેના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા, જેમાં કપલ ખુશખુશાલ દેખાઇ રહ્યું હતું. લગ્નની તસવીરો આથિયા શેટ્ટીએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી શેર કરી હતી. લાઇટ પિંક કલરનો લહેંગો અને કુંદન જ્વેલરી પહેરેલી અથિયા ખૂબ સુંદર લાગી રહી હતી જ્યારે શેરવાની પહેરેલો રાહુલ પણ વરરાજા તરીકે શોભી રહ્યો હતો.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સુનિલ શેટ્ટીના ખાસ મિત્રો ગણાતા અજય દેવગણ અને સંજય દત્તે સોશિયલ મીડિયાના માધ્યમથી આથિયાના લગ્નપ્રસંગે શુભકામના પાઠવી હતી. સોશિયલ મીડિયા પર પણ આ કપલના વેડિંગ પૂર્વે રવિવારે યોજાયેલી સંગીત સંધ્યાની વીડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી. જેમાં મહેમાનો આથિયા અને રાહુલ સાથે ઝૂમતાં નજર આવી રહ્યા છે.
લગ્ન સભારંભમાં રાહુલના ક્રિકેટર મિત્રોની વાત કરીએ તો, ટીમ ઈન્ડિયાના મોટા ભાગના ખેલાડીઓ ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝમાં વ્યસ્ત હોવાથી તેમની ગેરહાજરી વર્તાતી હતી. જોકે રાહુલના જૂના મિત્ર ક્રિકેટર ઉમેશ યાદવ અને ઇશાંત શર્મા લગ્ન સમારંભમાં પહોંચ્યા હતા.
આગામી દિવસોમાં - આઇપીએલ બાદ - શાનદાર રિસેપ્શનનું પણ આયોજન થવાનું છે. જેમાં બોલિવૂડ દિગ્ગજ અને ક્રિકેટર્સ ઉપસ્થિત રહેશે. આ રિસેપ્શનમાં 3000 મહેમાનોને આમંત્રણ આપવામાં આવશે. આ રિસેપ્શન મુંબઈ કે બેંગ્લૂરુમાં યોજાય તેવી શક્યતા છે. વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની પણ રિસેપ્શનમાં સામેલ થાય તેવી શક્યતા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, રિસેપ્શન ઈવેન્ટની અત્યારથી જ તૈયારીઓ આરંભવા આવી ચૂકી છે. જેમાં બોલિવૂડ સિતારાઓની સાથે સ્પોર્ટ્સ પર્સનાલિટીઝ, રાજનૈતિક હસ્તીઓ અને અનેક ઉદ્યોગપતિ પણ સામેલ થશે.
આથિયા-રાહુલની લગ્નવિધિ સંપન્ન થયા બાદ, સુનિલ શેટ્ટી અને આથિયાનો ભાઈ અહાન શેટ્ટી ફાર્મહાઉસની બહાર આવ્યા હતા અને ત્યાં ઉમટી પડેલા પત્રકારો - ફોટોગ્રાફર્સને લગ્નના ફેરા સંપન્ન થઈ ચૂક્યા હોવાની માહિતી આપી હતી. સુનિલ શેટ્ટી પરંપરાગત દક્ષિણ ભારતીય પહેરવેશ કુર્તા અને લૂંગીના પહેરવેશમાં જયારે અહાન કુર્તા-પાયજામામાં દેખાયો હતો. પત્રકારોના સવાલોના જવાબમાં સુનિલ શેટ્ટરીએ કહ્યું હતું કે, લગ્ન સંપન્ન થઈ ચૂક્યા છે અને અમે બધા ખુશ છીએ. ઓફિશિયલી મને સસરાની પોઝિશન મળી ગઈ છે. આથિયા અને રાહુલના લગ્નની ઉજવણી પ્રસંગે સુનિલ અને અહાન પત્રકારોને મીઠાઈ આપતાં એક વાયરલ વીડિયોમાં નજર આવ્યા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter