લંડનઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની 5 મેચની સિરીઝની અંતિમ મેચમાં રેકોડર્સનો ઢગલો થયો. આ દરમિયાન ગુજરાતી ખેલાડી રવીન્દ્ર જાડેજાએ મેચમાં 77 બોલમાં 53 રનની ઈનિંગ્સ રમી હતી. આ સાથે જ જાડેજાએ ગેરી સોબર્સનો 59 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. જાડેજા ઈંગ્લેન્ડની ધરતી પર છઠ્ઠા કે તેથી નીચલા ક્રમે રમતા સમયે એક સીરિઝમાં 6 વખત 50+નો સ્કોર કરનાર પ્રથમ ખેલાડી બન્યા. આ અગાઉ રેકોર્ડ ગેરી સોબર્સના નામે હતો, જેણે 1966માં 5 વખત આમ કરી રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. આ સાથે જ રવીન્દ્ર જાડેજા ઈંગ્લેન્ડમાં એક ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ વખત 50+નો સ્કોર કરવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો.
આ અગાઉ સુનીલ ગાવસ્કર (1979), વિરાટ કોહલી (2018) અને રિષભ પંત (2025) તમામે 5 વખત આ સિદ્ધિ હાંસલ કરી હતી. જાડેજા એ આ સિરીઝમાં કુલ 516 રન કર્યા હતા. આ સાથે જ તે છઠ્ઠા કે તેના નિચલા ક્રમે એક સિરીઝમાં 500થી વધુ રન કરવાનો રેકોર્ડ પણ બનાવ્યો. અગાઉ વીવીએસ લક્ષ્મણે 2002માં વિન્ડીઝ પ્રવાસે આ જ ક્રમે રમતા 474 રન કર્યા હતા.