ટીમ ઇંડિયા સામે પાકિસ્તાનનું આત્મસમર્પણ

Wednesday 18th October 2023 05:32 EDT
 
 

અમદાવાદઃ વર્લ્ડ કપના બહુપ્રતિક્ષિત ભારત-પાકિસ્તાન વચ્ચેના મહામુકાબલામાં ટીમ ઇન્ડિયાએ અપેક્ષિત રીતે જ પાકિસ્તાનને પરાજય આપીને મેચ જીતી લીધી છે. ટીમ ઇંડિયાએ બેટિંગની 31મી ઓવરના ત્રીજા બોલે શ્રેયસ ઐયરે બાઉન્ડ્રી ફટકારી તે સાથે જ ભારતીયો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને ઓપનર રોહિત શર્માની આતશી બેટિંગે પાકિસ્તાની બોલર્સના ડાંડિયા ડૂલ કરી નાખ્યા હતા. રોહિત શર્માએ 63 બોલમાં 6 બાઉન્ડ્રી અને 6 સિક્સરની મદદથી 86 રન કર્યા હતા જ્યારે શ્રેયસ ઐયરે અણનમ અર્ધ સદી ફટકારીને ટીમ ઇન્ડિયાને જીત સુધી પહોચાડ્યું હતું. ભારતે જીત માટેનું લક્ષ્ય ત્રણ વિકેટના ભોગે જ પ્રાપ્ત કરી લીધુ હતું. આ પહેલા ભારતીય બોલર્સ સામે શરણાગતિ સ્વીકારનાર પાક. ટીમ 191 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
છ પાક. બેટ્સમેન એક આંકમાં સમેટાયા
પાકિસ્તાન વતી બાબર આઝમ (50) અને મોહમ્મદ રિઝવાન (49) જ સારું પ્રદર્શન કરી શક્યા હતા. આ સિવાય છ બેટ્સમેનનો દાવ એક જ આંકડામાં સમેટાઇ ગયો હતો. ઈમામ ઉલ હકે (36), અબ્દુલ્લા શફીકે 20 અને હસન અલી (12) રન કર્યા હતા. તે સિવાય સઉદ શકીલ (6), મોહમ્મદ નવાઝ (4), ઇફ્તિખાર એહમદ (4), સાદાબ ખાન (2) અને હારિસ રઉફ (2) રન બનાવીને આઉટ થયા હતા.
પાંચ ભારતીય બોલર્સે ઝડપી બે-બે વિકેટ
વન-ડે ક્રિકેટમાં એક મેચમાં કોઈ એક ટીમના પાંચ બોલર્સે બે-બે વિકેટ ઝડપી હોય તેવો ત્રીજો બનાવ બન્યો છે અને તેમાં ભારતીય ટીમ બે વખત સામેલ છે. પાક. સામેની મેચમાં શાર્દુલ ઠાકુરને બાદ કરતાં ભારતના પાંચ બોલર્સે 176 રન આપીને તમામ 10 વિકેટ ઝડપી હતી. આ પહેલાં 2011માં મોહાલી ખાતે પાકિસ્તાન સામેની મેચમાં ભારતના પાંચ બોલર્સ 231 રન આપીને 10 વિકેટ પોતાના નામે કરી હતી. ન્યૂઝીલેન્ડના બોલર્સ 2014-15માં ક્રાઇસ્ટ ચર્ચ ખાતે શ્રીલંકા સામે આ સિદ્ધિ મેળવી હતી.
18 વર્ષ બાદ હારનો બદલો
પાકિસ્તાની ટીમ 18 વર્ષ બાદ અમદાવાદમાં પ્રથમવાર વન-ડે રમવા ઉતરી હતી. આ અગાઉ પાક. ટીમ 2005માં અમદાવાદમાં રમી હતી અને ત્યારે ટીમ ઇંડિયા 315નો સ્કોર કરવા છતાં 3 વિકેટે હારી હતી. 18 વર્ષ બાદ પાકિસ્તાન ભારત રમવા આવ્યું ત્યારે ભારતે તેને 200 રન પણ ના કરવા દીધા અને એકતરફી અંદાજમાં માત આપી.
અબજો રૂપિયાની સટ્ટાબાજી
મેચમાં ભારતીય ટીમ હોટ ફેવરિટ હતી. ટોસ જીતતા ભારતનો ભાવ 40 પૈસા થયો હતો અને પાક.નો ભાવ રૂ. 1.60 પૈસા થઈ ગયો હતો. પાકિસ્તાનનો સ્કોર ત્રણ વિકેટે 155 સ્કોર થતાં સટ્ટાબજારમાં પાકિસ્તાન હોટફેવરિટ થઈને 80 પૈસા થઈ ગયો હતો અને ભારતનો ભાવ રૂ. 1.25 પૈસા થયો હતો. આ પછી ગણતરીની મિનિટોમાં પાકિસ્તાનની પાંચ વિકિટો 36 રનમાં પડી જતાં ભારતનો ભાવ 20 પૈસા અને પાક.નો ભાવ રૂ. 1.85 થયો હતો. રોહિત શર્માએ સારી શરૂઆત કરતા એક તબક્કે ભારતનો જીતનો ભાવ એક પૈસા અને પાકિસ્તાનનો ભાવ કોઈ ભાવ બોલાતો નહોતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter