ટી-૨૦ શ્રેણીઃ ભારતે ન્યૂઝીલેન્ડનો ૫-૦થી વ્હાઈટવોશ કર્યો

Wednesday 05th February 2020 05:58 EST
 
 

માઉન્ટ મોનગનુઈઃ ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડ સામે માઉન્ટ મોંગન્ટુલ ખાતે રમાયેલી પાંચ ટી-૨૦ મેચની શ્રેણીની અંતિમ મેચ સાત રને જીતીને શ્રેણીમાં કિવીઝનો ૫-૦થી વ્હાઈટવોશ કર્યો હતો. ભારતે પાંચ મેચની ટી૨૦ સીરિઝમાં કોઈ ટીમનો વ્હાઈટવોશ કર્યો હોય તેવી આ સૌ પ્રથમ ઘટના છે. કે એલ રાહુલ પ્લેયર ઓફ ધ સિરીઝ જ્યારે આ મેચમાં ૧૨ રનમાં ત્રણ વિકેટ ઝડપનાર જસપ્રીત બુમરાહ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયા ૨૦૦૬માં પ્રથમ ટી-૨૦ મેચ રમ્યું હતું. ભારત અત્યાર સુધી કુલ ૧૩૪ મેચ રમ્યું છે. ટીમ ઈન્ડિયાએ પોતાની ટી-૨૦ ની ૧૪ વર્ષની કારકિર્દીમાં પ્રથમ વખત સતત ૮ ટી-૨૦ મેચ જીતી હતી. ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી અગાઉ ભારતે સતત ત્રણ ટી-૨૦ મેચ જીતી હતી. શ્રેણીની પાંચમી ટી-૨૦માં ભારતે મેળવેલો વિજય તેનો ૮૫મો વિજય હતો. ખાસ વાત એ છે કે આ સીરીઝ દરમિયાન બે મેચમાં ટાઈ થતાં સુપર ઓવર રમાડવામાં આવી હતી. આ બન્ને મેચમાં ભારતે કિવિઝને પરાજય આપ્યો હતો.
ભારતનો પાંચમી ટી-૨૦માં વિજય
માઉન્ટ મોંગન્ટુલ ખાતે રમાયેલી પાંચમી અને છેલ્લી ટી-૨૦માં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી અને નિર્ધારિત ૨૦ ઓવરમાં ત્રણ વિકેટે ૧૬૩ રન નોંધાવ્યા હતા. તેમાં રોહિત શર્માના ૬૦, ઓપનર કે એલ રાહુલના ૪૫ અને શ્રેયસ ઐયરના ૩૩ રન મુખ્ય હતા. ભારતના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કિવીઝ ટીમની શરૂઆત નબળી રહી હતી. સમયાંતરે તેની વિકેટો પડતી રહી હતી. ભારતીય બોલર્સની વેધક બોલિંગ સામે ન્યૂઝીલેન્ડની ટીમ નિર્ધારિત ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૫૬ રન જ નોંધાવી શકી હતી. જસપ્રિત બુમરાહે ત્રણ વિકેટ ઝડપી હતી અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter