ટી20 વર્લ્ડકપઃ ભારત સામે પરાજયના પગલે પાક.માં ભારે આક્રોશ

Wednesday 12th June 2024 06:05 EDT
 
 

ન્યૂ યોર્ક, ઇસ્લામાબાદઃ ટી20 વર્લ્ડ કપમાં ભારત સામે હાર બાદ પાકિસ્તાનમાં રોષનો માહોલ છે. પાક. ટીમ સતત બે મેચ હાર્યા બાદ ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ જવાની અણીએ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)નાં ચેરમેન મોહસીન નકવીએ કહ્યું કે, આ હાર નિરાશાજનક છે, પહેલા અમે અમેરિકા સામે હાર્યા અને હવે ભારત સામે પણ પરાજય થયો. આ સ્થિતિમાં વર્તમાન ખેલાડીઓથી આગળ જોવાની જરૂર છે. અમારું પ્રદર્શન સૌથી નિમ્ન સ્તરે પહોંચ્યું છે અને તેમાં સુધાર કરવો સૌથી મોટો પડકાર છે. પ્રારંભમાં એવું લાગી રહ્યું હતું કે - એક નાની સર્જરીથી ટીમમાં સ્થિતિ સુધરશે. જોકે, હવે લાગે છે કે - ‘મેજર સર્જરી કરવી જ પડશે.’
નકવીએ જણાવ્યું કે, ‘બોર્ડે ખેલાડીઓને દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. પરિણામ મળી રહ્યાં નથી. વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. અમારે આ મુદ્દે સાથે બેસીને વિચારવાની જરૂર છે. અમારે ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારી કરવી પડશે. એવા ખેલાડીઓને તક આપવી પડશે, જેઓ બહાર રહીને તકની રાહ જોઈ રહ્યાં છે.' ઉલ્લેખનીય છે કે ચેમ્પિયન્સ ટ્રોફી આવતા વર્ષે પાક.માં જ રમાવાની છે.
ખરા સમયે ખોટા નિર્ણયો લેવાયાઃ કોચ ગેરી કર્સ્ટન
પાકિસ્તાનનાં નવા કોચ ગેરી કર્સ્ટન પણ ભારત વિરુદ્ધ મળેલ 6 રનથી હાર પર નિરાશ થયા છે. કર્સ્ટને કહ્યું કે, ‘ચોક્કસપણે આ હાર નિરાશાજનક છે. 120 રન અમારા માટે સૌથી સરળ લક્ષ્યાંક બની શકતો હતો. 6-7 ઓવર બાકી રહેતા અમારો સ્કોર 72/2 હતો અને ત્યાંથી મેચ ગુમાવવી નિરાશાજનક છે. કદાચ એ સમયે અમારા નિર્ણયો ખોટા રહ્યાં. આ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છે, અહીં ખરાબ નિર્ણયોનું પરિણામ ભોગવવું પડતું હોય છે. કુલ 35-40 ઓવર સુધી મેચ અમારા હાથમાં હતી. હું અહીં 12 દિવસથી છું. મને એ સમજવામાં સમય લાગશે કે કયા ખેલાડીઓ પાકિસ્તાન ટીમને મેચ જીતાડવા માટે સક્ષમ છે.’
મેચ લો સ્કોરિંગ, વિજય દિલધડક
જસપ્રિત બુમરાહ સહિતના બોલર્સની શાનદાર બોલિંગની મદદથી ભારતે રવિવારે રમાયેલી ટી20 ક્રિકેટ વર્લ્ડ કપમાં કટ્ટર હરીફ પાકિસ્તાનના હાથમાં આવેલો વિજય આંચકી લીધો હતો. ટીમ ઇંડિયાએ છેલ્લી ઓવર્સમાં મેચનું પાસું પલટી નાખ્યું હતું અને છ રનથી રોમાંચક વિજય મેળવ્યો હતો. પાકિસ્તાને મેચમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. ટીમ ઇંડિયાનો દાવ 19 ઓવરમાં 119 રનમાં જ સમેટાઇ જતાં પાકિસ્તાનનો નિર્ણય યોગ્ય પુરવાર થઇ રહ્યો હોવાનું લાગતું હતું. જોકે નીચા લક્ષ્યાંક છતાં પાકિસ્તાનને પણ ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. પાક. 20 ઓવરમાં 7 વિકેટે 113 રન જ કરી શક્યું હતું. પાકિસ્તાન માટે ઓપનર મોહમ્મદ રિઝવાને સૌથી વધુ 31 રન ફટકાર્યા હતા. તેણે 44 બોલમાં એક સિક્સર ફટકારી હતી, પરંતુ એક છેડો સાચવીને તેણે પાકિસ્તાનને સુરક્ષિત સ્થિતિમાં રાખ્યું હતું. અંતિમ ઓવર્સમાં ભારતે બુમરાહની મદદથી વળતો પ્રહાર કરીને મેચનું પાસું પલટી નાખ્યું હતું.
અગાઉ વારંવારના વરસાદના વિઘ્નને કારણે મેચના પ્રારંભમાં વિલંબ થયો હતો. લગભગ પોણો કલાક બાદ રમત શરૂ થઈ પરંતુ એક ઓવર બાદ ફરથી અટકી ગઈ હતી. પાકિસ્તાને ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. વિરાટ કોહલી અને રોહિત શર્મા પાસેથી ઘણી અપેક્ષા રખાતી હતી પરંતુ બીજી જ ઓવરમાં કોહલી માત્ર ચાર રનના અંગત સ્કોરે આઉટ થઈ ગયો હતો તો રોહિત શર્મા ત્રીજી ઓવરમાં આઉટ થયો ત્યારે તેનો સ્કોર 13 રન હતો. ભારતીય ઈનિંગ્સમાં એક માત્ર રિશભ પંત 42 રન કરીને વિકેટ પર ટકી રહેવામાં સફળ રહ્યો હતો.
આવા ખેલાડીને ઘરભેગા કરોઃ વસીમ અકરમ
પૂર્વ પાકિસ્તાની પેસ બોલર વસીમ અકરમે આક્રોશભેર કહ્યું હતું કે ‘આ ખેલાડીઓ 10 વર્ષથી ક્રિકેટ રમી રહ્યાં છે. રિઝવાન પાસે રમત અંગેની જાગૃકતા નથી. ઈફ્તિખારને લેગ સાઈડ પર માત્ર એક જ શોટ રમતા આવડે છે. તે વર્ષોથી ટીમમાં છે, પરંતુ તેને બેટિંગ નથી આવડતી. ખેલાડીઓને લાગે છે કે તેઓ સારું નહીં રમે તો કોચને હટાવી દેવામાં આવશે અને તેમને કોઈ નુકસાન નહીં થાય. જોકે હવે એ સમય આવી ગયો છે કે આપ કોચને જાળવી રાખો અને આવા ખેલાડીઓને ઘર ભેગા કરી દો.’
પૂર્વ પાકિસ્તાની ઓલરાઉન્ડર મોહમ્મદ હફીઝે પણ કહ્યું હતું કે પાકિસ્તાને એવા ખેલાડીઓને ટીમમાં રાખ્યા છે, જેમણે દેશના ક્રિકેટનો સર્વનાશ કર્યો છે. આ તમામને છ મહિના અગાઉ પાકિસ્તાન માટે રમવા સવાલ કરાયો હતો તો તેઓ લીગ ક્રિકેટ રમવા માગતા હતા. હવે જ્યારે લીગ ક્રિકેટ બંધ છે તો તેઓ વર્લ્ડ કપમાં રમી રહ્યાં છે. જોકે, તેઓ વર્લ્ડ કપમાં એવી રીતે જ રમી રહ્યાં છે જાણે કોઈ લીગમાં રમી રહ્યાં હોય.’


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter