ન્યૂઝીલેન્ડ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનઃ ૯૧ વર્ષમાં પહેલી વખત આઇસીસી વર્લ્ડ કપ જીત્યો

Thursday 01st July 2021 07:40 EDT
 

સાઉથમ્પ્ટનઃ ન્યૂઝીલેન્ડની ટીમ આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બની છે. ફાઈનલમાં ટીમ ઇન્ડિયાને તેણે આઠ વિકેટે હરાવ્યું હતું. ન્યૂઝીલેન્ડે ૯૧ વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર આઇસીસી વર્લ્ડ કપ જીત્યો છે. ન્યૂઝીલેન્ડ ટીમ ૧૯૩૦માં પ્રથમવાર ઇંગ્લેન્ડ સામે મેચ રમ્યું હતું. ટીમ ઇન્ડિયાને ન્યૂઝીલેન્ડે બીજી વાર આઇસીસી ટુર્નામેન્ટની ફાઈનલમાં હાર આપી છે. અગાઉ વર્ષ ૨૦૦૦માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ૪ વિકેટે હરાવ્યું હતું. ભારતે પ્રથમ ઇનિંગ્સમાં ૨૧૭ અને બીજી ઇનિંગ્સમાં ૧૭૦ રન કર્યા હતા. ન્યૂઝીલેન્ડે પહેલી ઇનિંગ્સમાં ૨૪૯ રન અને બીજી ઇનિંગ્સમાં ૨ વિકેટે ૧૪૦ રન કર્યા હતા.
કરોડો ભારતીયોનું સ્વપ્ન ચકનાચૂર
ન્યૂઝીલેન્ડે વરસાદના કારણે રિઝર્વ-ડે સુધી ખેંચાયેલી આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલ મુકાબલામાં ભારતને આઠ વિકેટે હરાવીને વિરાટ કોહલીની ટીમ અને કરોડો ભારતીય સમર્થકોનું ટાઇટલ જીતવાનું સ્વપ્ન ચકનાચૂર કરી દીધું હતું. ભારતે બીજા દાવના આધારે ન્યૂઝીલેન્ડને ૧૩૯ રનનો લક્ષયાંક આપ્યો હતો. જેને કીવી ટીમે ૪૫.૫ ઓવરમાં બે વિકેટના ભોગે ૧૪૦ રન બનાવીને હાંસલ કરી લીધો હતો.
આ સાથે ન્યૂઝીલેન્ડ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ટીમ બની ગઈ હતી. ભારતીય સુકાની વિરાટ કોહલી વધુ એક વખત આઇસીસીની મેજર ટ્રોફી પોતાના નામે કરવાથી વંચિત રહ્યો હતો. કીવી પેસ બોલર જેમીસનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter