પૃથ્વીનો પાવરઃ 379 રન ફટકારીને ગાવસ્કર-લક્ષ્મણથી આગળ નીકળ્યો

Saturday 21st January 2023 09:11 EST
 
 

ગુવાહાટીઃ યુવા ઓપનર પૃથ્વી શોનું શાનદાર તથા આક્રમક ફોર્મ જારી રાખતાં નવો વિક્રમ સર્જ્યો છે. આસામ સામેની રણજી ટ્રોફી મેચમાં તેણે 383બોલમાં 379 રન ફટકાર્યા છે. છેલ્લા કેટલાક સમયથી પસંદગી સમિતિની અવગણનાનો ભોગ બની રહેલા પૃથ્વીએ તેની ઇનિંગ દરમિયાન 49 બાઉન્ડ્રી તથા 6 સિક્સર ફટકારી હતી અને તેણે કેટલાક રેકોર્ડ પણ બ્રેક કર્યા હતા. પૃથ્વી હવે રણજી ટ્રોફીના ઇતિહાસમાં સર્વાધિક સ્કોર નોંધાવનાર બીજો બેટ્સમેન બની ગયો છે.
પૃથ્વીએ હૈદરાબાદ સામે સંજય માંજરેકરે નોંધાવેલા અણનમ 377 રનના રેકોર્ડને તોડી નાખ્યો હતો. તેની રહાણે અને પૃથ્વી વચ્ચે 401 રનની વિક્રમી ભાગીદારી પૃથ્વી શોએ રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કરનાર મુશીર ખાન (42) સાથે પ્રથમ વિકેટ માટે 123 રનની ભાગીદારી નોંધાવ્યા બાદ અરમાન જાફર સાથે બીજી વિકેટ માટે 74 રન ઉમેર્યા હતા. ત્યારબાદ સુકાની અજિંક્ય રહાણે તથા પૃથ્વીએ ત્રીજી વિકેટ માટે વિક્રમી 401 રનની વિક્રમી ભાગીદારી નોંધાવી હતી. રહાણેએ 302 બોલમાં 191 રનની ઇનિંગ રમી હતી. મુંબઇએ ચાર વિકેટ 687ના સ્કોરે પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. વર્તમાન સિઝનમાં આ રહાણેની બીજી સદી નોંધાઈ છે. આ પહેલાં તેણે હૈદરાબાદ સામે 204 રનની ઇનિંગ રમી હતી. આગળ બીબી નિંબલકર છે જેમણે 75 વર્ષ પહેલાં સૌરાષ્ટ્ર સામે અણનમ 443 રન બનાવ્યા હતા અને આ રેકોર્ડ હજુ પણ અકબંધ છે. પૃથ્વી મુંબઇ રણજી ટીમના ઇતિહાસમાં ટોપ સ્કોર૨ પણ બની ગયો છે.

ચેતેશ્વર પૂજારાનો 352 રનનો રેકોર્ડ તોડ્યો
પૃથ્વી શોએ 326 બોલમાં પોતાની ત્રેવડી સદી પૂરી કરી હતી અને ત્યારબાદ તેણે આક્રમક અંદાજને જારી રાખ્યો હતો. 23 વર્ષીય બેટ્સમેને મુંબઇ માટે મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરના 340 રનના રેકોર્ડને બ્રેક કર્યા બાદ ટેસ્ટ નિષ્ણાત ચેતેશ્વર પૂજારા અને વીવીએસ લક્ષ્મણને પણ પાછળી રાખી દીધા હતા. પુજારાએ 2012-13માં કર્ણાટક સામે સૌરાષ્ટ્ર તરફ્થી 352 રનની ઇનિંગ રમી હતી. લક્ષ્મણે 1999-2000માં હૈદરાબાદ માટે કર્ણાટક સામે 353 રન બનાવ્યા હતા. પૃથ્વી ભારત માટે પાંચ ટેસ્ટ મેચ રમ્યો છે. તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હોવા છતા પસંદગીકારોએ તેને સતત નજરઅંદાજ કર્યો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter