બુમરાહની બોલિંગ જ બેટ્સમેનોને સમજાતી નથી

Monday 10th June 2019 07:46 EDT
 
 

સાઉથમ્પટનઃ વર્લ્ડ કપની સૌપ્રથમ મેચમાં સાઉથ આફ્રિકા સામેના વિજયથી ખુશખુશાલ કેપ્ટન કોહલીએ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના ભારોભાર વખાણ કર્યા હતા. ટીમ ઈન્ડિયામાં સામેલ અમદાવાદનો ફાસ્ટ બોલર જસપ્રીત હાલ વન-ડેમાં વર્લ્ડ નંબર વન બોલર છે. કોહલીએ કહ્યું બુમરાહની બોલિંગનો કેવી રીતે સામનો કરવો એ બેટ્સમેનોને સમજાતું જ નથી. તેમાં ય જો બુમરાહને ખબર પડી જાય કે બેટ્સમેન દ્વિધા અનુભવી રહ્યો છે એટલે તે વધુ ઘાતક બની જાય છે અને વિકેટ લઈને જ જંપે છે.
ભારતને વર્લ્ડ કપની સૌપ્રથમ મેચમાં સાઉથ આફ્રિકા સામે જીત અપાવવામાં બુમરાહની ભૂમિકા મહત્ત્વની રહી હતી. કારકિર્દીની પ્રથમ વર્લ્ડ કપ મેચ રમી રહેલા બુમરાહે ખૂબ જ કુશળતાથી બોલિંગ કરતાં સાઉથ આફ્રિકાને બેકફૂટ પર ધકેલ્યું હતું. તેણે માત્ર ૩૫ રન આપતાં બે વિકેટ ઝડપી હતી.
કોહલીએ તેના વખાણ કરતાં કહ્યું કે તેની બોલિંગ જોવાની ખૂબ જ મજા આવે છે. ખાસ કરીને જ્યારે બેટ્સમેનને તેનો સામનો કેવી રીતે કરવો તે જ ન સમજાય ત્યારે સ્થિતિ રસપ્રદ બને છે. તે સતત બેટ્સમેન પર હાવી રહે છે. મેં અમલાને ક્યારેય આ પ્રકારે આઉટ થતા જોયો નથી. તે સ્ટ્રોક ફટકારીને આઉટ થતો હોય છે, પણ આ પ્રકારે તેને આઉટ કરવો એ બુમરાહની સિદ્ધિ કહેવાય.
બુમરાહની ખાસિયત જણાવતા કોહલીએ કહ્યું કે તે નેટ પ્રેક્ટિસમાં પણ મેચ જેટલી જ તીવ્રતાથી બોલિંગ નાંખે છે. તે સતત બેટ્સમેનની એકાગ્રતાને ચકાસે છે. જો બેટ્સમેન થોડો પણ નબળો પડે એટલે તેની વિકેટ ઝડપી જ સમજો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter