બે દિગ્ગજ વચ્ચે વિવાદ વકર્યોઃ કોહલીએ ગાંગુલીને ઇન્સ્ટાગ્રામ ઉપર અનફોલો કર્યો

Saturday 22nd April 2023 06:22 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતના બે ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને સૌરવ ગાંગુલી વચ્ચેના વિવાદનો અંત આવે તેવું નથી લાગી રહ્યું. તાજેતરમાં બેંગ્લોર અને દિલ્હી વચ્ચે રમાયેલી આઇપીએલની મેચ બાદ બંને એકબીજા સામે થયા ત્યારે વાતાવરણ તનાવભર્યું થયું હોવાનો સંકેત મળ્યો હતો. હવે કોહલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ઉપર ગાંગુલીને અનફોલો કરીને વિવાદને આમંત્રણ આપ્યું છે. દિલ્હી સામેના મુકાબલા બાદ કોહલીએ આ પગલું ભર્યું હતું.
મેચની 18મી ઓવરમાં બેંગ્લોરની વિકેટની જરૂર હતી ત્યારે દિલ્હીના ડગઆઉટ પાસે ફિલ્ડિંગ ભરી રહેલા કોહલીએ એક શાનદાર કેચ ઝડપીને મેચ બેંગ્લોરની તરફેણમાં કરી નાખી હતી. આ કેચ ઝડપ્યા બાદ કોહીલએ ડગઆઉટમાં બેઠેલા સૌરવ ગાંગુલી અને રિકી પોન્ટિંગ સામે કતરાતી આંખોએ જોયું હતું. મેચ પૂરી થયા બાદ બંને ટીમની હેન્ડશેક પરંપરામાં પણ કોહલી અને ગાંગુલીએ એકબીજા સામે હાથ મિલાવ્યા નહોતા. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં ઘણા વાઇરલ થયા છે.
નોંધનીય છે કે ગાંગુલી જ્યારે બીસીસીઆઇનો પ્રમુખ હતો ત્યારથી આ બંને વચ્ચેનો વિવાદ શરૂ થયો હતો. કોહલીએ દુબઇમાં ૨માયેલી 2021ના ટી20 વર્લ્ડ કપ બાદ સૌથી નાની ફોર્મેટની કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ બોર્ડે તેની પાસેથી વન-ડે ટીમનું નેતૃત્વ પણ છીનવી લીધું હતું. સાઉથ આફ્રિકાના પ્રવાસમાં ટેસ્ટ શ્રેણીમાં 2-1થી મળેલા પરાજય બાદ કોહલીએ ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ છોડી દીધી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter