મશાલ ટોક્યો પહોંચી, પણ ઓલિમ્પિક ગેમ્સ એક વર્ષ મોકૂફ

Saturday 28th March 2020 05:09 EDT
 
 

ટોક્યો: વિશ્વભરમાં પગપેસારો કરી ચૂકેલા કોરોના વાઇરસના ખતરાને ધ્યાને લઇને ઓલિમ્પિક આયોજન સમિતિએ રમતોત્સવને એક વર્ષ સુધી મુલત્વી રાખવાની જાહેરાત કરી છે. મહામારીના પગલે અનેક દેશો રમતોત્સવ મુલત્વી રાખવા માગણી કરી રહ્યા હતા અને કેનેડા સહિતના કેટલાક દેશોએ તો આમાંથી પોતાના નામ પાછા પણ ખેંચી લીધા હતા.
આ બધા વચ્ચે ઓલિમ્પિક મશાલ ચાર્ટર્ડ ફલાઇટમાં ગ્રીસના એથેન્સથી ટોક્યો પહોંચી હતી. મિયાગી પ્રાંતના માત્સુશિ એરફિલ્ડ ખાતે ટોક્યો ઓલમ્પિક આયોજક સમિતિના પ્રમુખ યોશિરો મોરીએ ઓલિમ્પિક ટોર્ચ સ્વીકારી હતી. બાદમાં પૂર્વ ઓલિમ્પિક જૂડો ચેમ્પિયન સાઓરી યોશિદા અને તદાહિરો નોમુરાએ પરંપરાગત કુંડમાં અધિકારીઓ અને આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં મશાલ પ્રજ્વલ્લિત કરી હતી.
હવે જાપાનમાં ૨૬ માર્ચ - ગુરુવારથી ટોર્ચ રિલે યોજાશે. ૧૨૧ દિવસ સુધી ચાલનારી ટોર્ચ રિલેની શરૂઆત ૨૦૧૧માં આવેલી સુનામીના કારણે બરબાદ થયેલા ફુકુશિમા શહેરથી થશે. સુનામીના કારણે અહીંના પરમાણુ રિએકટરને ઘણું નુકસાન પહોંચ્યું હતું. જોકે નવ વર્ષ બાદ સ્થિતિ ઘણી બદલાઈ ચૂકી છે. વારંવાર આવેલા ધરતીકંપ, સુનામી જેવી કુદરતી હોનારતો સામે ટક્કર આપીને પોતે ઓલિમ્પિકની યજમાની કરવા માટે સક્ષમ છે તે વિશ્વને બતાડવા માટે જાપાને આ શહેરથી રિલે શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો.

ઓલિમ્પિક ટોર્ચની ૯,૭૭૮ કિમીની યાત્રા

ટોક્યો ઓલિમ્પિકની ટોર્ચ માટે તૈયાર કરાયેલા વિશેષ વિમાને ગ્રીસથી ટોક્યો આવવા માટે લગભગ ૯,૭૭૮.૭૬ કિલોમીટરનું અંતર કાપ્યું હતું. મુસાફરી દરમિયાન જાપાન એરવેઝની ફ્લાઇટ જેએ-૮૩૭-જેની સ્પીડ ૬૪૪ કિલોમીટર પ્રતિ કલાકની હતી. તેણે લગભગ ૧૮ કલાક ૫૧ મિનિટમાં આ અંતર કાપ્યું હતું. ટોક્યો ખાતેના માત્સુશિ એરફિલ્ડ ખાતે ફ્લાઇટ લેન્ડ થઇ હતી, ત્યારબાદ ટોર્ચને સ્વીકારવામાં આવી હતી.

ફુકુશિમાથી ૧૨૧ કિમીની ટોર્ચ રિલેનો પ્રારંભ

ફુકુશિમાથી પ્રસ્થાન કર્યા બાદ મશાલ રિલે અલગ અલગ શહેરમાંથી પસાર થશે. જોકે તેમાં લોકોને સાંકળવામાં આવશે નહીં, પરંતુ રમતપ્રેમીઓ રસ્તાઓના કિનારે ઊભા રહીને રિલેને નિહાળી શકશે. જોકે કોરોના વાઇરસના કારણે ભીડ વધે તો કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવી શકે છે. ગ્રીસમાં ઓલિમ્પિક મશાલ રિલે દરમિયાન એટલી બધી ભીડ એકત્ર થઈ હતી કે પૂરો કાર્યક્રમ રદ કરાયો હતો. સમર્થકોની ગેરહાજરીમાં ખાલી સ્ટેડિયમમાં જાપાનના પ્રતિનિધિને ટોર્ચ સુપરત કરાઇ હતી. ટોક્યો ઓલિમ્પિક સમિતિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે રિલેમાં ભાગ લેનાર તમામ એથ્લીટ્સનું ઇવેન્ટ પહેલાં મેડિકલ ચેકઅપ કરવામાં આવશે.

ટોક્યો ગેમ્સના પ્રમુખે ટોર્ચ સ્વીકારી

ટોક્યો ગેમ્સના પ્રમુખ યોશિરો મોરીએ જૂજ લોકોની વચ્ચે ઓલિમ્પિક ટોર્ચને સ્વીકારી હતી. ગેમ્સના સીઈઓ તોશિયો મુટોએ જણાવ્યું હતું કે અમારા માટે કોઈ પણ કિંમતે મશાલ રિલેનું આયોજન કરવું જરૂરી હતું. ગેમ્સ પહેલાં ટોર્ચનું જાપાનમાં આવવું જરૂરી હતું. અમે મોટો કાર્યક્રમ કરવા માગતા હતા પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેને ટૂંકાવવો પડયો હતો.
ગેમ્સના વડા યોશિરો મોરીએ જણાવ્યું હતું કે સમારંભમાં ૨૦૦ બાળકો તથા કેટલાક રમતવીરો આવવાના હતા, પરંતુ સ્વાસ્થ્યના કારણસર અમે તેમને કાર્યક્રમમાં સામેલ નહીં કરવાનો નિર્ણય કર્યો છે.

સળગતી મશાલનો વિમાન પ્રવાસ!

પબ્લિક ફ્લાઇટમાં સ્મોકિંગ ઉપર પણ પ્રતિબંધ છે, જ્યારે આમાં તો વિમાન પ્રવાસમાં પ્રજવલ્લિત મશાલ લઇ જવાની હતી. જોકે સત્તાવાળાઓ ઓલિમ્પિક ફ્લેમ જેવી કિસ્સામાં વિશેષ પરવાનગી આપતા હોય છે. ફ્લેમને જોખમી ગુડ્સની કેટેગરીમાં મૂકવામાં આવે છે - જે દરેક એરલાઇન્સનો સ્પષ્ટ નિયમ છે.
ફ્લેમને લઇ જતી ફ્લાઇટના એક્ઝિક્યુટિવ વિભાગની પ્રથમ ચાર સીટને વિશેષ રીતે તૈયાર કરાય છે જે લાકડાની બનેલી હોય છે. વિશેષ રીતે બનાવાયેલી વચ્ચેની બે સીટમાં ચોક્કસ સાઇઝના ફાનસમાં આ ફ્લેમને રાખવામાં આવે છે.
આ ફાનસની આજુબાજુ ફાયર ફાઇટરના સ્પેશિયલ તાલીમબદ્ધ બે સુરક્ષાકર્મીઓ સતત નજર રાખે છે. જેના કારણે કોઇ અનિચ્છનીય બનાવ બને તો તેઓ તરત જ આગને ઓલવી શકે છે.

સિડની ગેમ્સ વેળા ફ્લેમની અંડરવોટર યાત્રા

ઓલિમ્પિકનો યજમાન દેશ કોઇ પણ રીતે ઓલિમ્પિક ટોર્ચને પોતાના દેશ લઇ જઇ શકે છે. ૨૦૦૦માં સિડની ઓલિમ્પિક્સ વેળા આયોજન સમિતિએ જમીન તથા અંડરવોટર (પાણીની નીચે) મુસાફરી કરાવી ઓલિમ્પિક ફ્લેમને ઘરઆંગણે પહોંચાડી હતી. ૧૯૭૬માં મોન્ટ્રીયલ ઓલિમ્પિકમાં ફ્લેમને આયોજન કેન્દ્ર સુધી ઇલેક્ટ્રોનિકલી લાવવામાં આવી હતી. ૨૦૧૨માં લંડન ઓલિમ્પિક્સ માટે ફ્લેમને લાવવા બ્રિટિશ એરવેઝની એરબસ એ-૩૧૯ મોકલવામાં આવી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter