મિતાલી રાજઃ મહિલા ક્રિકેટમાં સૌથી વધુ રન કરનારી ખેલાડી

Wednesday 07th July 2021 05:56 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી અને કેપ્ટન મિતાલી રાજે ઇંગ્લેન્ડમાં ત્રીજી વન-ડેમાં ભારતને વિજય અપાવવા ઉપરાંત ઇતિહાસ રચી નાખ્યો છે. મિતાલીએ ઇંગ્લેન્ડની જ શાર્લોટ એડવર્ડ્ઝનો રેકોર્ડ તોડીને ઇન્ટરનેશનલ મહિલા ક્રિકેટમાં સૌથી વધુ રન નોંધાવવાની સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. મહિલા અને પુરુષ એમ બંને ફોર્મેટમાં હવે સૌથી વધુ રન નોંધાવવાનો રેકોર્ડ ભારતના નામે છે.
પુરુષ ક્રિકેટમાં સચિન તેંડુલકર અને મહિલા ક્રિકેટમાં મિતાલી રાજે આ સિદ્ધિ મેળવી લીધી છે. શાર્લોટે અત્યાર સુધીમાં ૧૦,૨૭૨ રન નોંધાવ્યા હતા. જ્યારે મિતાલીએ ૧૦,૩૩૭ રન નોંધાવીને તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા.
સચિન તેંડુલકરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ ૩૫,૩૫૭ રન નોંધાવ્યા છે. સૌથી મોટી વાત એ છે કે સચિન તેંડુલકરની જેમ જ મિતાલી રાજે પણ ૧૬ વર્ષ ૨૧૫ દિવસની ઉંમરે ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું અને હવે વિશ્વ સ્તરે સૌથી વધુ રન નોંધાવવાનો રેકોર્ડ પણ તેમના બંનેના નામે જ છે.
સુકાની તરીકે પણ અનોખો રેકોર્ડ
મિતાલ હવે દુનિયામાં સૌથી વધુ વન-ડે મેચ જીતનારી મહિલા કેપ્ટન બની ગઇ છે. તેણે ઓસ્ટ્રેલિયાની કેપ્ટન બેલિંડા ક્લાર્કનો રેકોર્ડ તોડી નાખ્યો છે. કલાર્કે વન-ડેમાં ૮૩ વિજય નોંધાવ્યા છે. તાજેતરના વિજય સાથે મિતાલી રાજે ૮૪મી મેચમાં ભારતને વિજય અપાવ્યો છે. હવે મહિલા ક્રિકેટમાં સૌથી વધુ વન-ડે મેચ જીતવા મામલે પણ તે મોખરે આવી ગઇ છે. આ ઉપરાંત તે ૮૭ વખત મહિલા ક્રિકેટમાં ૫૦ રનથી વધુનો અંગત સ્કોર નોંધાવ્યો છે. મહિલા ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પણ આવો રેકોર્ડ નોંધાવનાર તે એકમાત્ર ખેલાડી છે. તેમણે ૮ સદી અને ૫૮ અડધી સદી નોંધાવી છે.
વન-ડે ક્રિકેટમાં ૭૩૦૪ રન
મિતાલી રાજે વનડે ક્રિકેટમાં અત્યાર સુધીમાં ૭,૩૦૪ રન નોંધાવ્યા છે. તે ભારતીય સુકાની તરીકે સૌથી વધુ રન નોંધાવનારી ભારતીય મહિલા ખેલાડી બની ગઇ છે. તેણે કેપ્ટન તરીકે વનડેમાં ૬,૦૧૫ રન નોંધાવ્યા છે. સુકાની તરીકે સૌથી વધુ વન-ડે રન નોંધાવવાના મામલે મિતાલી દુનિયામાં બીજા ક્રમે આવે છે. આ યાદીમાં શાર્લોટ એડવર્ડઝ મોખરે છે. તેણે ૨૨૦ મેચમાં કુલ ૬,૭૨૮ રન નોંધાવ્યા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter