યંગિસ્તાનનો યાદગાર વિજય

Wednesday 06th August 2025 05:26 EDT
 
 

લંડન: પ્લેયર ઓફ ધ મેચ પેસ બોલર મોહમ્મદ સિરાજે 104 રનમાં ઝડપેલી પાંચ વિકેટની મદદથી ભારતે ઓવલમાં રમાયેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચના અંતિમ દિવસે ઇંગ્લેન્ડને તીવ્ર રસાકસી બાદ માત્ર છ રને હરાવીને પાંચ મેચની શ્રેણી 2-2થી ડ્રો કરી છે. આ મેચના પરિણામે પુરવાર કર્યું છે કે ટીમ ઇંડિયાના ખેલાડીઓનો અનુભવ જરૂર ઓછો હતો, પરંતુ વિજય હાંસલ કરવાનું ઝનૂન જરાય ઓછું નહોતું. પરિણામે દર્શકોને ટેસ્ટ મેચમાં ટી20 મેચનો રોમાંચ માણવા મળ્યો હતો. મેચના અંતિમ દિવસ સોમવારે ઈંગ્લેન્ડને વિજય માટે 35 રનની જરૂર હતી અને ભારતના કરોડો સમર્થકોની નજર મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના ઉપર હતી. સિરાજે જોખમી બની રહેલા એટકિન્સનને ક્લીન બોલ્ડ કરીને ભારતને ઐતિહાસિક વિજય અપાવવા ઉપરાંત શ્રેણીને 2-2થી ડ્રો કરવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી.

મેચના અંતિમ દિવસ સોમવારે ઈંગ્લેન્ડને વિજય માટે 35 રનની જરૂર હતી અને ભારતના કરોડો ક્રિકેટચાહકોની નજર મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્નાની બોલિંગ ઉપર હતી. સિરાજે જોખમી બની રહેલા એટકિન્સનને ક્લીન બોલ્ડ કરીને ભારતને ઐતિહાસિક વિજય અપાવવા ઉપરાંત શ્રેણીને 2-2થી ડ્રો કરવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી.
સિરાજે શ્રેણીમાં સર્વાધિક 23 વિકેટ હાંસલ કરી હતી. ઇંગ્લેન્ડના બૂકને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો. બૂકે પાંચ ટેસ્ટની શ્રેણીમાં બે સદી અને બે અડધી સદી વડે 481 રન બનાવ્યા હતા. ભારત માટે સુકાની શુભમન ગિલને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો જેણે 269 રનના હાઈએસ્ટ સ્કોર સાથે ચાર સદી સાથે સર્વાધિક 754 રન કર્યા હતા.
ભારતે 77 વર્ષ જૂની પરંપરા તોડી
ઓવલમાં ઇંગ્લેન્ડને ભારે રસાકસી બાદ છ રને હરાવીને ભારતે આખરે 1948થી ચાલી રહેલી એક પરંપરાને તોડી હતી. શુભમન ગિલના નેતૃત્વમાં ભારતીય ટીમે 77 વર્ષ બાદ 2025માં એક કલંકને ભૂંસી નાખ્યું છે. ભારતીય ટીમ 1948 બાદ ક્યારેય વિદેશમાં પાંચ ટેસ્ટની શ્રેણીનો અંતિમ મુકાબલો જીતી નથી. ટીમે ઘણી વખત ટેસ્ટ ડ્રો જરૂર કરી છે, પરંતુ લગભગ છેલ્લા સાડા સાત દશકાથી ભારત ટીમને વિદેશમાં પાંચ ટેસ્ટની શ્રેણીના છેલ્લા મુકાબલામાં વિજય મળ્યો નથી. ભારતીય ટીમ 1948થી 2025 સુધી અત્યાર સુધી પાંચ મેચની શ્રેણી 17 વખત રમી છે. હવે 18મી સંપૂર્ણ શ્રેણીમાં ભારતે વિદેશની ધરતી ઉપર પાંચમી ટેસ્ટ જીતવામાં સફળતા મેળવી છે. આ પહેલાં ભારતે 17 મેચમાં દસ પરાજય અને સાત ડ્રોના પરિણામ મેળવ્યા હતા.
દરેક કેપ્ટનનું સપનું સિરાજ જેવો બોલરઃ ગિલ
ભારતીય કેપ્ટન શુભમન ગિલે કહ્યું કે સિરાજ જેવો બોલર દરેક કેપ્ટનનું સપનું હોય છે. તે દરેક બોલ અને સ્પેલમાં પોતાનું બધુ ઝીંકી દે છે. તે ક્યારેય હાર માનતો નથી.
20 વર્ષ જૂની એશિઝ સિરીઝની યાદ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની રોમાંચક મેચ એ ઈંગ્લેન્ડમાં 20 વર્ષ અગાઉની રોમાંચક મેચની યાદ અપાવી. તે મેચમાં ઓસ્ટ્રેલિયા 282 રન ચેઝ કરતા 279 રને ઓલઆઉટ થયું હતું અને 2 રને હાર્યું હતું. તે હજુ પણ ઈંગ્લેન્ડમાં સૌથી નાની ટેસ્ટ જીતનો રેકોર્ડ છે. તે ટેસ્ટ 4 ઓગસ્ટથી શરૂ થઈ હતી. જ્યારે ભારત-ઈંગ્લેન્ડની આ મેચ તે તારીખે જ પૂર્ણ થઈ હતી.
પ્રથમવાર વિદશી ખેલાડીએ પાંચમી ટેસ્ટ મેચ જીતી
ટેસ્ટ ઈતિહાસમાં પ્રથમવાર એવું બન્યું કે, ભારતીય ટીમે કોઈ વિદેશી પ્રવાસ પર સિરીઝની પાંચમી કે છઠ્ઠી ટેસ્ટમાં જીત મેળવી હોય.
અગાઉ ભારતીય ટીમે આવી 17 ટેસ્ટ રમી હતી. જેમાં તેણે 10માં હારનો સામનો કર્યો, 7 મેચ ડ્રો રહી હતી. હોમ ગ્રાઉન્ડ પર પણ ભારતે આવી 27 માંથી માત્ર 7 મેચ જીતી છે. ભારતના ગિલે કેપ્ટન્સી હેઠળની પ્રથમ સિરીઝમાં જ પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter