યુરો કપઃ ઈટલી ૫૩ વર્ષ બાદ ચેમ્પિયન, પેનલ્ટી શૂટઆઉટમાં ઈંગ્લેન્ડનું હાર્ટબ્રેક

Wednesday 14th July 2021 04:09 EDT
 
 

લંડનઃ ગોલકિપર જીનલુગી ડોનારુમાએ પેનલ્ટી શૂટઆઉટના શ્વાસ અદ્ધર કરી દે તેવા તણાવ વચ્ચે શાનદાર દેખાવ કરતાં ઈટલીએ ઈંગ્લેન્ડનું ‘હાર્ટબ્રેક’ કરીને ૫૩ વર્ષ બાદ યુરો કપ જીતીને ઈતિહાસ રચ્યો છે. ઈંગ્લેન્ડ ૫૫ વર્ષ બાદ ફૂટબોલની મેજર ટુર્નામેન્ટની ફાઈનલમાં છેક છેવટ સુધી સંઘર્ષ કર્યા બાદ હારી જતાં ચાહકોમાં સોપો પડી ગયો હતો. તો બીજી તરફ, ઇટલીમાં હર્ષોલ્લાસનું મોજું ફરી વળ્યું હતું.
લંડનના વેમ્બલી સ્ટેડિયમમાં રવિવારે ખેલાયેલા દિલધડક ફાઇનલ જંગમાં ઈટલી અને ઈંગ્લેન્ડ નિર્ધારિત સમય અને એક્સ્ટ્રા ટાઈમ બાદ ૧-૧થી બરોબરી પર રહેતાં પેનલ્ટી શૂટઆઉટથી વિજેતાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ઈટલીએ ૩-૨થી વિજય મેળવ્યો હતો.
ઈટલીએ આ સાથે ૧૯૬૮ બાદ બીજી વખત યુરો કપ જીત્યો છે. જ્યારે ઈંગ્લેન્ડનું પ્રથમ વખત યુરોપીયન ચેમ્પિયન બનવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું છે. ઈંગ્લેન્ડની હારથી હતાશ ચાહકોએ વિવિધ સ્થળોએ મારામારી અને તોડફોડ કરી હતી. ઈટાલીયન ખેલાડીઓ અને ચાહકો જીતના જશ્નમાં ડુબી ગયા હતા. જ્યારે ઈંગ્લેન્ડમાં જાણે રાષ્ટ્રીય શોક હોય તેવું ગમગીનીભર્યો માહોલ જોવા મળતો હતો.
લુકા શોનો બીજી મિનિટનો ગોલ
વેમ્બલી સ્ટેડિયમમાં હજ્જારો ચાહકોની ઉપસ્થિતિમાં રમાયેલી ફાઈનલમાં ઈંગ્લેન્ડે બીજી જ મિનિટે લુકા શોના ગોલને સહારે સરસાઈ હાંસલ કરી લીધી હતી. ઈંગ્લેન્ડના ચાહકોએ આ સાથે જ જાણે યુરો કપ જીતી જ લીધો હોય તેવી ઉજવણી શરૂ કરી દીધી હતી. ઈટલીએ મેચમાં પાછા ફરવાના પ્રયાસ કર્યા હતા, પણ હાફ ટાઈમ સુધી તેમને સફળતા મળી નહોતી.
આખરે બીજા હાફમાં મેચની ૬૭મી મિનિટે બોનુચીએ ગોલ ફટકારીને ઈટલીને બરોબરી અપાવી દીધી હતી. જે નિર્ધારિત ૯૦ મિનિટ સુધી ટકી રહી હતી. આ પછી એક્સ્ટ્રા ટાઈમમાં પણ કોઈ ગોલ થયો ન હતો. જેના કારણે પેનલ્ટી શૂટઆઉટથી નિર્ણય લેવાયો હતો.
ઇટાલીયન કોચ માન્ચીની સિદ્ધિ
કોચ માન્ચીનીના માર્ગદર્શનમાં ઈટલીની ટીમે યુરો કપની ફાઈનલમાં પણ વિજય મેળવતા સળંગ ૩૪મી મેચમાં અજેય રહેવાનો રેકોર્ડ નોંધાવ્યો છે. વર્ષ ૨૦૧૮માં રશિયામાં રમાયેલા વર્લ્ડ કપમાં ક્વોલિફાય થવામાં નિષ્ફળ રહેલા ઈટલીના કોચ તરીકે માન્ચીનીએ ૨૦૧૮માં જવાબદારી સંભાળી હતી. આ પછી સપ્ટેમ્બર ૨૦૧૮થી ઈટલી એક પણ મેચમાં હાર્યું નથી.
પેનલ્ટી ચૂકેલા ખેલાડીઓનું અપમાન
ઈંગ્લેન્ડના ત્રણ ફૂટબોલર રશફોર્ડ, સાન્ચો અને સાકા પેનલ્ટી શૂટઆઉટમાં ગોલ ફટકારવામાં નિષ્ફળ રહ્યા હતા. રશફોર્ડની પેનલ્ટી કીક ગોલ પોસ્ટને ટકરાઈને બહાર જતી રહી હતી. જ્યારે સાન્ચો અને સાકાની પેનલ્ટી કીકને ઈટાલીયન ગોલકિપર ડોનારૂમાએ અટકાવી દીધી હતી.
આ પછી ઈંગ્લેન્ડના ત્રણેય અશ્વેત ખેલાડીનું સોશિયલ મીડિયા પર વંશીય અપમાન કરાયું હતું. વડા પ્રધાન બોરિસ જોન્સન અને પ્રિન્સ વિલિયમ સહિતના મહાનુભાવોએ આ નકારાત્મક અભિગમને વખોડ્યો હતો.
ઇંગ્લેન્ડના કોચ સાઉથગેટે પણ ખેલાડીઓનો બચાવ કરતાં કહ્યું કે, આ પ્રકારની કોમેન્ટ કરનારાઓને ક્યારેય માફ ન કરી શકાય. ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પરથી આ પ્રકારની ટીપ્પણી દૂર કરવામાં આવી છે. ટ્વિટરે પણ ૧૦૦૦થી વધુ વિવાદિત ટ્વીટ દૂર કરી છે.
ટિકિટ વિનાના પ્રેક્ષકો સ્ટેડિયમમાં ઘુસ્યા
ઈટલી સામે યુરો કપની ફાઈનલ અંગે ઈંગ્લેન્ડના ફૂટબોલ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો. લંડન પોલીસે ચોંકાવનારો ખુલાસો કરતાં કહ્યું છે કે અનેક પ્રેક્ષકો તો ટિકિટ વિના જ સ્ટેડિયમમાં ઘૂસી ગયા હતા. સ્થાનિક સૂત્રો જણાવે છે કે ટોળામાં આવેલા કેટલાક લોકો સિક્યુરિટી સ્ટાફને ધક્કા મારીને સ્ટેડિયમમાં પ્રવેશી ગયા હતા. જોકે ત્યારબાદ સલામતી વ્યવસ્થા વધારી દેવામાં આવતા પરિસ્થિતિ થાળે પડી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter