પેરિસ ઓલિમ્પિકના સમાપનની સાથે હવે વિશ્વભરના ચાહકો અને રમતવીરોની નજર ચાર વર્ષ બાદ 2028માં અમેરિકાના લોસ એન્જેલસ શહેરમાં યોજાનારા ઓલિમ્પિક પર મંડાઈ છે. અમેરિકાના એથ્લીટ્સ અને ઓફિશિઅલ્સને લઈને ડેલ્ટા એરલાઈન્સ લોસ એન્જલસ એરપોર્ટ પર આવી પહોંચી હતી. એરલાઈન્સ પર ‘એલએ28’ અને પામ વૃક્ષ દોરવામાં આવ્યું હતું. લોસ એન્જેલસના મેયર કારેન બાસ્સે વિમાનમાંથી બહાર આવતા જ ઓલિમ્પિકનો ફ્લેગ લહેરાવ્યો હતો. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ વર્ષ 2017માં લોસ એન્જલસને ઓલિમ્પિક રમતોત્સવ 2028ની યજમાની સોંપી હતી. ભૂતકાળમાં લોસ એન્જલસ 1932 અને 1984માં ઓલિમ્પિકની યજમાની કરી ચૂક્યું છે.