વિરાટ કોહલી આઇસીસી વન-ડે પ્લેયર ઓફ ધ યર

Saturday 08th June 2024 13:48 EDT
 
 

ન્યૂ યોર્કઃ ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને આઈસીસી વનડે પ્લેયર ઓફ ધ યર એવોર્ડ મળ્યો છે. સાથે જ તેને આઈસીસી મેન્સ વન-ડે ટીમ ઓફ ધ યર 2023 તરીકે પણ પસંદ થયો છે. આઇસીસીના સત્તાવાર હેન્ડલે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં વિરાટને ટ્રોફી અને કેપ આપવામાં આવી હોવાનું દર્શાવાયું છે.
છેલ્લા કેટલાક વર્ષોના નબળા ફોર્મ અને મોટા સ્કોર માટે સંઘર્ષ બાદ વિરાટે 2023માં પોતાના શાનદાર કેરિયરનું એક મોટું શીખર જોયું હતું. વિરાટે 27 વન-ડેની 24 ઈનિંગમાં છ સદી અને આઠ અર્ધસદી સાથે 72.47ની સરેરાશ અને 99.13ના સ્ટ્રાઈક રેટ સાથે 1,337 રન કર્યા હતા, જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 166 રન હતો.
2023ના એશિયા કપમાં ભારતની જીતમાં વિરાટે મોટી ભૂમિકા ભજવી હતી. વિરાટે સુપર ફોર સ્ટેજની એક મહત્ત્વપૂર્ણ મેચમાં પાકિસ્તાન સામે 94 બોલમાં અણનમ 122 રન કર્યા હતા. ગયા વર્ષે ભારતમાં રમાયેલા ક્રિકેટ વર્લ્ડ કપમાં વિરાટે 11 મેચમાં 95.62ની સરેરાશથી 765 રન કર્યા હતા, જેમાં છ અર્ધસદી અને ત્રણ સદી સામેલ હતી. વર્લ્ડ કપમા તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 117 રન હતો. વર્લ્ડ કપમાં તે ટોપ સ્કોરર રહ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter