સાનિયા મિર્ઝાની ટેનિસ કોર્ટને અલવિદાઃ છેલ્લી ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં હાર બાદ ભાવુક

Saturday 04th February 2023 05:35 EST
 
 

સિડનીઃ ભારતની ટેનિસસ્ટાર સાનિયા મિર્ઝાનું છેલ્લી ગ્રાન્ડ સ્લેમ જીતવાનું સપનું બ્રાઝિલની જોડી લુઇસા સ્ટેફની અને રાફેલ માટોસે રગદોળી નાખ્યું હતું. 36 વર્ષની સાનિયા અને 42 વર્ષીય રોહન બોપન્ના ઓસ્ટ્રેલિયા ઓપનની મિક્સ ડબલ્સની ફાઇનલમાં બ્રાઝિલના લુઇસા સ્ટેફની અને રાફેલ માટોસ સામે હારી ગયાં હતાં. લુઇસા સ્ટેફની અને રાફેલ માટોસની બ્રાઝિલની જોડી પ્રથમ વખત કોઈ ગ્રાન્ડ સ્લેમ જીતવામાં સફળ રહી છે.
ફાઇનલ મેચ બાદ જ્યારે સાનિયાને મેલબર્ન રોડ લેવર એરેનામાં ભાષણ માટે બોલાવવામાં આવી ત્યારે તે રડી પડી હતી. તેણે કહ્યું કે, આ ખુશીનાં આંસુ છે. 18 વર્ષ પહેલાં મેલબર્નમાં કરિયરની શરૂઆત થઈ હતી, એને પૂરી કરવા માટે મેલબર્નથી સારી બીજી કોઈ જગ્યા હોઈ શકે નહીં. મને અહીં ઘરની અનુભૂતિ કરાવવા બદલ આપ સૌનો આભાર.
તેણે લુઇસા સ્ટેફની અને રાફેલ માટોસની બ્રાઝિલની જોડીને પ્રથમ ગ્રાન્ડ સ્લેમ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા અને કહ્યું હતું કે, તે બંને ખૂબ જ સારી રીતે રમ્યાં. તેઓ જીતવાલાયક હતાં. તેણે તેની સાથે રમવા બદલ રોહન બોપન્નાનો પણ આભાર માન્યો અને કહ્યું કે, તેણે રોહન સાથે પહેલી મિક્સ્ડ જોડી બનાવી. તેને 22 વર્ષથી ઓળખે છે. તે એક સારા પાર્ટનરની સાથે બેસ્ટ ફ્રેન્ડ પણ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter