‘હાર્દિક’ વિજયોત્સવઃ હવે મારું લક્ષ્ય ટી-20 વર્લ્ડ કપમાં ભારતને ચેમ્પિયન બનાવવાનું

Wednesday 01st June 2022 05:04 EDT
 
 

અમદાવાદઃ આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવ્યા બાદ હાર્દિક પંડ્યાએ હવે ટી-20 વર્લ્ડ કપ તરફ મીટ માંડી છે. આઈપીએલની ફાઈનલમાં ઓલરાઉન્ડ દેખાવ કરનારા હાર્દિકે કહ્યું હતું કે, હવે મારું લક્ષ્ય ભારતને ટી-20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવવાનું છે. પીઠની ઈજાના કારણે છેલ્લી બે સિઝનથી હાર્દિક બોલિંગ કરી શકતો નહોતો. જોકે, આઈપીએલમાં તેણે બેટિંગની સાથે સાથે અસરકારક બોલિંગ પણ કરી છે, જેના કારણે આગામી સમયમાં તે ટીમ ઈન્ડિયામાં ખાલી પડેલા ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડરનું સ્થાન પાછું મેળવી શકે છે.
ચાલુ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં સાઉથ આફ્રિકાની ભૂમિ પર ટી-20 વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. ભારતીય પસંદગીકારો આગામી શ્રેણીઓમાં ખેલાડીઓના પર્ફોમન્સ પર નજર રાખી રહ્યા છે. હાર્દિક પંડ્યાએ 9મી જૂનથી ઘરઆંગણે શરૂ થનારી સાઉથ આફ્રિકા સામેની પાંચ ટી-20ની શ્રેણી માટેની ટીમમાં તક આપવામાં આવી છે. જેમાં તે આગવું ફોર્મ અને ફીટનેસ દર્શાવતા ભારતીય ટીમમાં પોતાનું સ્થાન મજબૂત કરવાની કોશીશ કરશે.
28 વર્ષીય હાર્દિક પંડ્યાએ કહ્યું હતું કે હવે ભારત માટે ટી-20 વર્લ્ડ કપ જીતવો છે. હું આ માટે પૂરજોશથી તૈયારીઓ કરી રહ્યો છું. મારા માટે હંમેશા ટીમ સૌથી પહેલાં રહી છે. ટીમની જરૂરિયાત મુજબનો દેખાવ કરીને સફળતા મેળવવી તે મારું મુખ્ય લક્ષ્ય છે. હું હવે ભારતીય ટીમ તરફથી પણ વિજયી દેખાવ કરવા માટે ઉત્સુક છું.
કેપ્ટન તરીકે ટ્રોફી જીત્યાનો આનંદ
હાર્દિક તેની આઈપીએલની પાંચમી ટ્રોફીને વિશેષ મહત્વની ગણાવતાં કહ્યું હતું કે મારા માટે આ સફળતા મહત્ત્વની કારણ કે મેં કેપ્ટન તરીકે ટ્રોફી જીતી છે. હું ભાગ્યશાળી છું કે મને પાંચ વખત આઈપીએલની ફાઈનલ રમવાની તક મળી છે અને પાંચ વખત હું ચેમ્પિયન બની શક્યો. અમારી ટીમ માટે પણ આ જીત ખાસ છે કારણ કે અમે પહેલી જ સિઝનમાં ચેમ્પિયન બન્યા છીએ.
હાર્દિકનો કેપ્ટન્સીને છાજે તેવો દેખાવ
આઈપીએલ ટાઈટલ જીતવાની સાથે કેપ્ટન હાર્દિક પંડ્યાએ રેકોર્ડ બુકમાં સ્થાન મેળવી લીધું છે. તેણે કહ્યું હતું કે હું હંમેશા મારા ખુદના પર્ફોમન્સથી ટીમના ખેલાડીઓને પ્રેરણા આપવાનો ઈરાદો ધરાવતો હતો. અને મેં મારી રમતથી જ ટીમના ખેલાડીઓને ઉદાહરણ પૂરું પાડ્યું છે. કેપ્ટન તરીકે શાનદાર દેખાવ કરતાં હાર્દિકે સિઝનમાં 487 રન નોંધાવવાની સાથે 8 વિકેટ ઝડપી હતી. ફાઈનલમાં પણ તેણે ત્રણ મહત્વની વિકેટ ઝડપ્યા બાદ 34 રનનો નિર્ણાયક સ્કોર કર્યો હતો અને તે પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો. ગુજરાતની જીતમાં હાર્દિકની સાથે રાશિદ, મીલર, ગિલ, તેવટિયા, ફર્ગ્યુસન તેમજ શમી અને સહાની સાથે સાઈ કિશોર અને યશ દયાલ જેવા ખેલાડીઓએ પણ નોંધપાત્ર દેખાવ કર્યો હતો.
તમામ સવાલનો શાનદાર જવાબ
હાર્દિકે ગુજરાત ટાઈટન્સને ડેબ્યૂ સિઝનમાં ચેમ્પિયન બનાવી એ તમામ સવાલોનો અંત આણ્યો છે, જે સિઝન અગાઉ થઈ રહ્યા હતા. સવાલ તેની ફિટનેસ, તેની બોલિંગ, કેપ્ટન્સી અને નંબર-૪ ના સ્થાન અંગે થતા હતા. અમુક મહિના અગાઉ BCCIની કોન્ટ્રાક્ટ લિસ્ટમાં ડિમોશન મળ્યું હતું. જે પછી હાર્દિકે ફિટનેસ પર કામ કરવા ક્રિકેટમાંથી બ્રેક લેવાનો નિર્ણય લીધો. હાર્દિક પંડ્યાને IPLમાં નવી ફ્રેન્ચાઈઝ ગુજરાત ટાઈટન્સે કેપ્ટન બનાવ્યો. જોકે ટીમને લીગના પ્રારંભ અગાઉ સૌથી નબળી કહેવામાં આવી રહી હતી. હાર્દિકે કેપ્ટન્સી નથી કરી તો નવી ટીમને ચેમ્પિયન બનાવી શકશે ખરા? રવિવારે સવા લાખ દર્શકો સામે તેણે આ તમામ સવાલોના જવાબ આપી દીધા હતા.
હાર્દિકની ઈકોનોમી રાશિદ કરતાં પણ ઓછી
હાર્દિકની બોલિંગ પણ ઘણી શાનદાર રહી હતી. રાજસ્થાનના ૩ સૌથી ખતરનાક બટલર, સેમસન, હેટમાયરને આઉટ કર્યા. ત્રણ ઓવરમાં 4.25ની ઈકોનોમી સાથે માત્ર 17 રન આપ્યા શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. સૌથી ઓછા રન આપવા માટે જાણીતા રાશિદ ખાન (4.5)થી પણ ઓછી ઈકોનોમી હાર્દિકની રહી. અમદાવાદ ગુજરાતની ટીમનું હોમ ગ્રાઉન્ડ છે. જોકે હાર્દિક બરોડા તરફથી રમતો આવ્યો છે. પિચમાં બાઉન્સ હતો અને શોર્ટ બોલ તથા સ્લોઅર કટરને મદદ કરનાર હતી. હાર્દિકે 24 બોલ નાંખ્યા તેમાં 17 શોર્ટ કે શોર્ટ લેન્થ, 6 ગુડ લેન્થ અને 1 ફુલ લેન્થ હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter