અધુરિયા ના બનીએ, ઉતાવળિયા ના બનીએ, બીજાને સુધારવાને બદલે જાતને સુધારવા પ્રયત્ન કરીએ

અજવાળું અજવાળું

- તુષાર જોષી Tuesday 22nd November 2022 05:20 EST
 
 

વ્યક્તિગત અને સામૂહિક કોમ્યુનિકેશનના અનેક હાથવગા માધ્યમો પૈકીનું એક અને એ પણ વિનામૂલ્યે પ્રાપ્ત થયેલું માધ્યમ વ્હોટ્સએપ મોબાઈલ એપ છે. વ્યક્તિગત ઓડિયો-વિડીયો પરસ્પર મોકલવા માટે તેનો ઉપયોગ સહુ પોતાની જરૂરિયાત મુજબ કરે જ છે, જેના કારણે કામ ઝડપી-સરળ અને સુવિધાપૂર્ણ બને છે. એ પછી જરૂરિયાત મુજબ લોકો - એમાંય સમાન રસ-રૂચિ કે શ્રદ્ધા ધરાવનારા લોકો એક ગ્રૂપ બનાવે છે અને એડમિને જે મુજબ એમાં વ્યવસ્થા કરી હોય તદનુસાર એ ગ્રૂપનો સહુ ઉપયોગ કરે છે.

હમણાં આવા એક ગ્રૂપના એડમિન જ એમાંથી નીકળી ગયા. એ ગ્રૂપ જ્યારે તેઓએ શરૂ કર્યું ત્યારે ભારતીય પ્રાચીન મૂલ્યો - સભ્યતા - સંસ્કૃતિ અને એમાં પણ એક ચોક્કસ ક્ષેત્રમાં રસ હોય એવા લોકોને જોડ્યા હતા. એમનો હેતુ એક જ હતો કે સમાન ક્ષેત્રના લોકો એ વિષયમાં દેશ-દુનિયાની જાણકારીથી જોડાયેલા રહે અને પોતાના વિચારો પણ મુકી શકે. સમય જતાં આપણી પરંપરા મુજબ એવું થયું કે કશું સર્જનાત્મક એમાં આવવાને બદલે માત્ર અને માત્ર ફોરવર્ડીયા મેસેજ, જે મેની ટાઈમ ફોરવર્ડેડ હોય તે શરૂ થયા. વિષય સિવાયના જ મેસેજ વધુ આવવા માંડ્યા. એડમિને અનેકવાર આ બાબતે ધ્યાન દોર્યું, પરંતુ જોયા-જાણ્યા કે વિચાર્યા વિના માત્ર ફોરવર્ડ કરનારાનું ધ્યાન એમાં શા માટે જાય? અને જાય તો પણ એ તો એમના મનના રાજ્જા... એટલે આખરે એડમિને જ ગ્રૂપ છોડી દીધું.
આ પહેલાં પણ આ કોલમમાં આ વિશે લખ્યું છે કે ‘હવે ખમૈયા કરો’.... એક સારું માધ્યમ વિનામૂલ્યે પ્રાપ્ત થયું છે તો એનો સ્વવિવેક સાથે ઉપયોગ કરો.
લોકો પોતાને જેમાં શ્રદ્ધા હોય કે ના હોય, વિચાર્યા વિના આજ કે દર્શન કરીને દેવી-દેવતાઓની તસવીરો ગ્રૂપમાં કે વ્યક્તિગત રીતે મુકી દે છે, મહાપુરુષોની તસવીરો સાથે એમના જ વાક્યો છે કે નહીં તે તપાસ કર્યા વિના મુકી દે છે.
પરમાત્માના દિવ્ય સ્વરૂપની તસવીરો ડિલીટ કરવાના પાપમાં શા માટે બીજાને ભાગીદાર બનાવો છો? તમારી શ્રદ્ધા તમારા પૂરતી રાખોને ભાઈ... રાજકીય, મીડિયા, એન્ટરટેઈન્મેન્ટ, સ્પોર્ટ્સ, ધર્મ, અધ્યાત્મ, યોગ, પ્રાણાયમ એમ અનેક ક્ષેત્રની અણમોલ માહિતી અઢળક સ્વરૂપે સોશિયલ મીડિયામાં છે જ, જેને રસ હશે તે મેળવી લેશે. તમે શા માટે ફોરવર્ડ કર્યા જ કરો છો? જે હેતુ માટે એક ગ્રૂપ રચાયું છે એ ગ્રૂપ સિવાયના સમાચારો બસ માત્રને માત્ર ટાઈમપાસ કરવા ફોરવર્ડ કરવાના? જ્ઞાન તમારા પૂરતું રાખો ને! વર્ષો પહેલાનાં સમાચારો પણ આજના હોય એમ લોકો ફોરવર્ડ કર્યા જ કરે છે કારણ કે જળમાં ડૂબકી મારીને સત્યતા નથી ચકાસવી, માત્ર છબછબિયાં કરીને બીજાને છાંટા ઉડાડવા છે.
મોટાભાગે શરમના માર્યા આવા ગ્રૂપમાં રહેવું પડે છે અને રોજના 50-100 મેસેજ ડિલીટ કરવા પડે છે. એક સારી સુવિધાનો સાચી દિશાનો ઉપયોગ કરવાની જાગૃતતા આપણે ક્યારે કેળવીશું? આ લખનાર સહિત બધાએ આ દિશામાં જાગૃત થવાની જરૂર છે. અધુરિયા ના બનીએ, ઉતાવળિયા ના બનીએ, ગામઆખામાં જ્ઞાન પ્રસારવાનો કે એમને મોટીવેશનલ સૂત્રો આપીને સુધારવાનો પ્રયત્ન કરવા બદલે આપણે જાતે થોડા સુધરવાની કોશિષ કરીએ ત્યારે સમજદારીનાં અજવાળાં ફેલાશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter