આજ મારે આંબે આવ્યા મોર...

અજવાળું અજવાળું

તુષાર જોષી Tuesday 14th June 2022 08:30 EDT
 

કોણે સીંચ્યાતા વૃક્ષ કેરીના,

કોણે નાખ્યા ખાતર ખોળ
કોણે સીંચ્યાતા નીર બપોરે
નાચ્યા ભરઉનાળે મોર
આજ મારે આંબે આવ્યા મોર
અત્યાર બજારમાં જ્યાં જૂઓ ત્યાં કેરી જોવા મળે. હમણાં ગાંધીનગરમાં યોજાયેલા મેંગો ફેસ્ટિવલમાં ભારતના કેટલાક રાજ્યોમાંથી પણ કેરીના ઉત્પાદકો કેરીના વેચાણ અર્થે આવ્યા હતા અને અપ્રતિમ પ્રતિસાદ સાંપડ્યો હતો. સંસ્કૃતમાં આમ્રફળ, હિન્દીમાં આમ, ગુજરાતીમાં કેરી અને અંગ્રેજીમાં મેંગો તરીકે ઓળખાતી કેરીની વિશ્વમાં 500થી પણ વધુ જાત છે. કુલ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો 40 ટકાથી વધુ છે.
આંબો વન-વગડામાં, ખેતરમાં, ફાર્મમાં, ઘરમાં વવાય. ફાગણ મહિનો આવે ને મોર બેસે, મોર જાજો તો મોલ પણ જાજો. પછી એમાંથી કેરી ફળ રૂપે આવે, કાચી કેરીને ઝાડ પર ચડીને - ઉતારીને પછી મીઠું ને મરચું ભભરાવીને ખાવાનો લ્હાવો તો લીધો હોય ઈ જ જાણે. એ જ રીતે ડુંગળી-ગોળ-મરચું-મીઠું ને હળદર સાથે એનું કચુંબર પણ ઉનાળામાં શાકની સાથે ખૂબ ભાવે. આંબા ડાળે આમ્રમંજરી ડોલેને કોયલ પણ મીઠા ટહુકા કરે... આંબા ડાળે વટેમાર્ગુ કે શ્રમિકો - ઘરમાલિકો શીળી છાયામાં આરામ કરે, આંબા ડાળે ઝુલો બાંધીને નાના બાળકોને હીંચકાવે, એ જ આંબાની ડાળ યુવા અવસ્થાએ પ્રેમ પ્રગટાવે અને ઝુલો વળી સોનાનો બની જાય. કેવું મીઠું મજાનું લોકગીત આ ક્ષણોનું આપણે ત્યાં ગવાયું છે.
સોનાની સાંકળે બાંધ્યો હીંડોળો આંબાની ડાળ...
રૂપાને કડલે હીંચકે રે વાલો મારો આંબાની ડાળ...
બીજા એક લોકગીતમાં ગવાયું છે,
મારા રે વાલમનો મીઠો આંબલો,
આંબો ફાલ્યો સે ફાગણ માસમાં
બધાને આંબાની ડાળે પ્રેમ પાંગરે એવું ના પણ બને. આવી સ્થિતિનું પણ એક લોકગીત મળે છે જેમાં આજની ભાષામાં કહીએ તો બ્રેકઅપનો અણસાર છે.
વાયા વાયા મીંતો (મેં તો)
આંબા કેરાં બીજડાં રે,
મારા કરમે તે નાનેરા
બાવર ઉજિયા રે...
એક સ્ત્રીના હૃદયની કેટકેટલી સંવેદના આંબા સાથે લોકગીતોમાં શબ્દરૂપે અભિવ્યક્ત થઈ છે. ભાઈની વાટ જોતી બેની શું કહે છે, વાંચો આ લોકગીતમાં....
મારા ફળિયામાં એક આંબલો
આંબલો ઘોર ગંભીર જો
ઊંચીને ઊંચી હું ચડી,
જોઉં મારા માડી જાયાની વાટ જો.
આંબા પર કાચી કેરી આવે એ ખવાય, એમાંથી બાફલો ને શરબત બને, જાતજાતના અથાણાં બને તો પાકી કેરી ચુસીને, રસ કાઢીને, કટકા કરીને ખવાય, કેરીનો રસ, જ્યુસ, શેઈક, સ્મુધી, ફાલુદા, પલ્પ, કેક, શ્રીખંડ એમ કેટકેટલી વાનગીઓ બને. આખરે વળી ગોટલીને સૂકવીને એમાંથી મુખવાસ પણ બને.
કેરીના ઔષધીય ગુણો જોઈએ તો એમાં વિટામીન્સ હોય છે. એનાથી ઈમ્યુન સિસ્ટમ સુધરે છે, એમાં કેલરી, કાર્બોહાઈડ્રેટ ને આયર્ન હોય છે. એથી જ અનેક રોગોમાં કેરી ગુણકારી ગણાય છે.
કાચી કેરીનો રંગ લીલો હોય ને પાકી કેરીનો રંગ પીળો, લીલો, લાલ કે નારંગી હોય... ગરમીથી આપોઆપ પાકે એ કેરીનો સ્વાદ સાચો. ભારતનું રાષ્ટ્રીય ફળ ગણાતી કેરીના ઉત્પાદનમાં ગુજરાત પણ અગ્રેસર છે.
કેરીનો મહિમા કરતા અનેક લોકગીતો-કાવ્યો આપણે ત્યાં રચાયા છે. સુરતના કવિ નયન દેસાઈ લખે છે,
કેસર કેરી વાવી, ગણદેવી ગામ મારે,
ટોળાં, પંખીઓના આવ્યા ઈનામમાં રે,
એની મહેંક ગગનમાં ઘૂમે,
ચૌદ ભુવનમાં ખેલે,
એના કેસરીયા છાંયે,
સૂરજ ઘડીક માથું મેલે,
કીડી ખરીદતી એની મીઠાશ
મોંઘા દામમાં રે...
આંબો, આંબાની શીતળતા, આંબાની કેરીને સમગ્રપણે આંબાનું વાતાવરણ આપણા લોકજીવન સાથે જોડાયેલું છે. આંબાનું મહિમાગાન આવા મીઠા-મધુરા લોકગીતો કે કાવ્ય સંગીતના ગીતોથી થાય ત્યારે શબ્દના અજવાળાં રેલાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter