આ સંગીત આપણને જીવાડે છે... આ શોખ આપણને શાંતિ - આનંદ - પ્રસન્નતા ને પ્રેમની હૂંફ આપે છે

અજવાળું અજવાળું

તુષાર જોષી Tuesday 16th March 2021 08:08 EDT
 

મારી નજર સામે એ દૃશ્ય તાદૃશ્ય થઈ રહ્યા છે જ્યારે મારી ઉંમર ત્રણ-ચાર વર્ષની હતી ત્યારે પપ્પાએ રેડિયો બનાવડાવ્યો હતો ૧૯૬૫-૬૬માં. એ પછી રેડિયો આજ સુધી સાંભળું છું. ઘરમાં જૂનું ગ્રામોફોન હતું, જે આજે પણ છે. ટેપરેકોર્ડર હતા... ઓછામાં ઓછી ૧૨૦૦થી વધુ કેસેટ્સ હતી. એક લાઇબ્રેરી હતી, જેમાં પછીથી ૫૦૦થી વધુ ઓડિયો-વીડિયો સીડી ઉમેરાતી ગઈ... કથા - કીર્તન - ભજન - કાવ્યસંગીત - ફિલ્મસંગીત ને ગઝલ... કેટકેટલા અણમોલ ખજાનો હવે એ જ સંગીત કે શબ્દો આધુનિક માધ્યમોના સહારે સાંભળવા મળે છે. કેસેટ ટેપના જનક ડચનિવાસી લાઉ ઓટેંસનું હમણાં અવસાન થયું ને આ બધું સહજ સ્મરણ થયું. કોમ્પેક્ટ ડિસ્ક બનાવવામાં પણ એમની મહત્ત્વની ભૂમિકા હતી. એમનું વિજ્ઞાનના માધ્યમથી એક જ લક્ષ હતું કે પોર્ટેબલ અને ઉપયોગમાં સરળ એવા સાધન વિકસાવવા અને એમાં તેઓ સફળ થયા.

ઇતિહાસ પર નજર માંડીએ તો ૮ નવેમ્બર ૧૯૦૨ના રોજ બે છોકરીઓ - શશીમુખી અને ફણીબાલાના નામ અને તેમનો અવાજ ગોળ તકતી પર ઉતર્યા હતા. થાળી પર રેકોર્ડીંગનો એ પહેલો અવસર હતો.
લાંબા સમય સુધી ચલણમાં રહી તે ૭૮RPMની રેકોર્ડ સામાન્ય રીતે ૧૦ ઇંચ વ્યાસની હતી. ૧૨ ઇંચની રેકોર્ડ લોંગ પ્લે તરીકે ઓળખાતી હતી. ૧૮૯૮માં ગ્રામોફોન કંપનીની સ્થાપના એના શોધક એમિલ બર્લિનરે કરી હતી. જગવિખ્યાત બનેલું કુતરાનું ચિત્ર રેકોર્ડના લેબલ પર ૧૯૦૯-૧૦માં સ્થાન પામ્યું હતું.
જૂની હિન્દી ફિલ્મોના ગીતોના શો કરીએ ત્યારે ખ્યાલ આવે કે મધુર ગીતો સાવ ટૂંકા છે. એનું એક કારણ એ હતું કે થાળીની એક બાજુએ માત્ર ૩ મિનિટ અને ૨૦ સેકંડનું રેકોર્ડીંગ થઈ શકતું હતું.
ગ્રામોફોન તરીકે જાણીતી રેકોર્ડ પછી જમાનો આવ્યો ઓડિયો કેસેટનો. તેના જનક હતા લાઉ ઓટેંસ, જેમનો ઉલ્લેખ લેખના આરંભે કર્યો છે. સંગીતની દુનિયામાં ઓડિયો કેસેટ ૧૯૬૩માં રજૂ થઈ હતી. ઓડિયો કેસેટ જેમાં મૂકીને એમાં ધ્વનિમુદ્રિત ગીતો કે સંગીત સાંભળી શકીએ એ સાધન ટેપરેકોર્ડર તરીકે ઓળખાતું હતું. દેશવિદેશની અનેક કંપનીઓના ટેપરેકોર્ડર વિશ્વભરમાં સંગીત પ્રસારણ કરતા રહ્યા અને ઘરની શોભા બની રહ્યા.
ભારતમાં હિન્દી ફિલ્મ સંગીત અને આલ્બમોને ઓડિયો કેસેટ અને કોમ્પેક્ટ સીડીના માધ્યમથી એક વિશેષ સ્થાન અપાવનાર વ્યક્તિ એટલે ટી-સિરીઝના ગુલશનકુમાર. એચએમવી પછી ટી-સિરીઝે બજારમાં પગપેસારો કર્યો. યાદ કરો એ સમયની ફિલ્મો એના ગીતો અને આપણે ગીતોને કેસેટમાં રેકોર્ડ કરાવતા. ઘરે જઈને સાંભળતા. કેટકેટલા મહાન કલાકારોના લાઈવ શો પણ આમ જ રેકોર્ડ થતા હતા.
૧૯૮૫માં કોમ્પેક્ટ ડીસ્કનો આરંભ થયો. પાંચેક વર્ષમાં તો મોટા ભાગના ઘરોમાં સીડી પ્લેયર વાગવા માંડ્યા હતાં. ધીમે ધીમે ગાડીઓમાં પેન ડ્રાઇવ વાગવા માંડી અને હવે જાતજાતના મ્યુઝિક એપ આપણને આંગણીના ટેરવે દુનિયાભરનું સંગીત પીરસે છે.
આ સંગીત જ આપણને જીવાડે છે, આ શોખ આપણને શાંતિ - આનંદ - પ્રસન્નતા ને પ્રેમની હૂંફ આપે છે. આ સંગીતના સર્જકો અને ટેકનોલોજી દ્વારા આપણા સુધી પહોંચાડનારા તમામનું સ્મરણ કરીએ ત્યારે સૂર શબ્દના અજવાળા રેલાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter