ઐતિહાસિક, પ્રાકૃતિક, સાંસ્કૃતિ વૈભવનો અણમોલ ખજાનો ધરાવતો ઘેડ પંથક

અજવાળું અજવાળું

તુષાર જોષી Tuesday 04th April 2023 05:17 EDT
 

‘આ મેળામાં મ્હાલવાનો આનંદ કંઈક નોખો જ છે...’

‘આ વિસ્તારમાં પ્રાકૃતિક અને ધાર્મિક સ્થળોમાં ભારતીય સંસ્કૃતિ સચવાઈ છે.’
‘આ મેળો એટલે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીનો વિવાહ ઉત્સવ...’ આવા આવા અનુભવના વાક્યો દર્શકોના હૈયેથી પ્રગટતા હતા માધવપુર ઘેડના 2023ના મેળામાં. મને પણ હમણાં બીજી વાર આ મેળામાં જવાનો અવસર મળ્યો. ઉત્તર–પૂર્વના રાજ્યોના મહાનુભાવો - મુખ્યમંત્રીઓ અને કલાકારો આવ્યા તો ગુજરાતના મુખ્યમંત્રી અને મહાનુભાવો પણ આવ્યા. રોજ રાત્રે લોકડાયરાના કાર્યક્રમોની રમઝટ જામી.
પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઉત્તર બાજુ બરડાના ડુંગરો પુરા થતાં સોરઠી અને વરતુ નદીના દોઆબના પ્રદેશને અને દક્ષિણ બાજુ ભાદર, ઓજત અને મધુવંતી નદીઓનાં પ્રદેશને ઘેડ કહે છે. આ ઘેડ શબ્દ સંસ્કૃતના ‘ધૃતઘટ’ અર્થાત્ ઘીના ઘડાની સંજ્ઞાને યથાર્થ કરે છે. ઘેડ પંથક ઐતિહાસિક, પ્રાકૃતિક, સાંસ્કૃતિ વૈભવનો અણમોલ ખજાનો ધરાવે છે. શ્રીમદ્ ભાગવતના દસમ સ્કંધમાં માધવપુરનો ઉલ્લેખ મળે છે. મહારાજા ભીષ્મકના પુત્રી રૂકમણીએ ભગવાન શ્રીકૃષ્ણની સુંદરતા - શૌર્ય – પરાક્રમ – વૈભવની વાત સાંભળીને તેમને વરવાનું નક્કી કર્યું હતું. રૂકમણીના ભાઈ રૂકમીની ઈચ્છા હતી કે તેની બહેનના લગ્ન શિશુપાલ સાથે થાય. રૂકમણીએ સુદેવ નામના બ્રાહ્મણ સાથે શ્રીકૃષ્ણને એક પત્ર મોકલ્યો અને શ્રીકૃષ્ણએ રૂકમણીનું હરણ કર્યું. માધવપુર આવીને શ્રીકૃષ્ણ–રૂકમણીના ગાંધર્વ પ્રથાથી લગ્ન થયા.
એક કથા અનુસાર માધવપુર પાસેના વનમાં ભગવાન શ્રીકૃષ્ણએ મધુ નામના દૈત્યનો સંહાર કર્યો હતો એથી આ વનને મધુવન કહેવાય છે. માધવપુરમાં આવેલું માધવરાયજીનું મંદિર 13મી સદીમાં બન્યું હોવાનું મનાય છે. માધવપુરની આસપાસ વિષ્ણુ - શિવ મંદિરો આવેલા છે.
માધવપુરમાં દર વર્ષે ચૈત્ર સુદ નોમથી ચૈત્ર સુદ તેરસ સુધી મોટો મેળો ભરાય છે અને શ્રીકૃષ્ણ – રૂકમણીનો વિવાહ ઉત્સવ ઉજવાય છે. દર વર્ષે આ મેળામાં મ્હાલવા એક લાખથી વધુ લોકો આવે છે. 2018ના વર્ષથી અહીં રાજ્ય સરકાર – કેન્દ્ર સરકાર દ્વારા મેળામાં ભારતના ઉત્તર – પૂર્વના રાજ્યો અને માધવપુર – દ્વારકા પશ્ચિમના ભાગ વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાન મજબૂત બનાવવા ઉત્તર પૂર્વના રાજ્યના કલાકારો - મહાનુભાવો આવે છે અને એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાકાર કરવા પ્રયત્ન થાય છે. શ્રી માધવરાયજીનું પ્રાચીન મંદિર, ચોરી માહ્યરા, કપિલ મુનીની દેરી, શ્રી બળદેવજીનો માંડવો, મધુવન, મહારાણીનો મઠ, નાગબાઈની જગ્યા, રામદેવજી મંદિર, તારાપુરી આશ્રમ, શામદાસ મહંતનો મઠ, ચામુંડા માતાજીની ટેકરી, ખાખનાથની જગ્યા, ગદાવાવા, શ્રી મહાપ્રભુજીની બેઠક જેવા સ્થળો અહીં દર્શનીય છે. માધવપુરનો દરિયાકિનારો પણ એટલો જ સોહામણો અને આકર્ષક છે. શ્રી માધવરાયજીની નવી હવેલીમાં શ્રી માધવરાય અને શ્રી ત્રિકમરાયની જુગલ જોડી બિરાજે છે.
પ્રાકૃતિક – આધ્યાત્મિક – સાંસ્કૃતિક રીતે મહત્ત્વના સ્થળ માધવપુરમાં આપણી પ્રાચીન સંસ્કૃતિના અજવાળાં રેલાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter